જૂનાગઢ શહેરમાં બનતા વિવિધ બનાવાને કારણે આજે આ શહેર ચર્ચાના ચકડોળે ચડેલ છે. ખાસ કરીને જૂનાગઢ મહાનગરપાલિકાના ભાજપના કેટલાક શાસકોની, પદાધિકારીઓના કરતુતો ઉપરથી પડદો હટવાના બનાવને પગલે ખડભડાટ મચી જતો હોય છે અને એક તકે તો લોકો આવા બનાવોમાં જવાબદાર કોણ છે તેનું એનાલીસીસ કરી અને સત્યનું તારણ પણ કાઢી લેતા હોય છે અને આવા પ્રજાની નજરમાં ઉતરી ચુકેલા નેતાઓ સામે રોષનો દાવાનળ પણ ભભુકી ઉઠયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાકેશ ધુલેશિયા ગઈકાલે રાત્રીના નશો કરેલી હાલતમાં માથાકુટ કરતા લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું અને આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રોહિબીશ એકટના ગુના અંતર્ગત તેમની ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ, કહેવાતા આગેવાનોની જાણે માઠી બેઠી હોય તેવા એક પછી એક બનાવો બની રહ્યા છે અને કથીત નેતાના પગ હેઠળની જમીન સરકી જતી હોય તેવા બનાવો બને છે. હજુ ચારેક દિવસ પહેલા એક જાગૃત નાગરિકે જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશિયાના બિલ્ડીંગ સામે ગેરકાયદેસર તેમજ વાંધાજનક હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ અંગે જવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે. આ પ્રકરણ હજી શાંત પડ્યું નથી ત્યાં રાકેશ ધુલેશિયા પીધેલી હાલતમાં ઝડપાયા હોવાના બનાવને પગલે સારી એવી ચકચાર જાગી ઉઠી છે. જૂનાગઢ મનપાના ભાજપી પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને પૂર્વ કોર્પોરેટર રાકેશ ધુલેશિયાને જાહેરમાં દારૂ પી ડખો કરતાં પોલીસે પકડી કાર્યવાહી કરી હતી. પોલીસની ગર્વ ટીમના માણસો સોમવારની રાત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન ઝાંઝરડા ચોકડી કે. જે. હોસ્પિટલની બાજુમાં જાહેર રોડ ઉપર ટોળું ભેગું થયેલ હોય ત્યાં જઈ જાેતા એક શખ્સ દારૂ પી જાહેર રોડ ઉપર માથાકૂટ કરતો અને લથડીયા ખાતો જાેવામાં આવતા પોલીસે તેની પાસે જઈ નામ પૂછતા તેણે પોતાનું નામ રાકેશ રસિકભાઈ ધુલેશિયા(ઉ.વ.૫૫) ધંધો બાંધકામ રહે. જૂનાગઢ હવેલી એપાર્ટમેન્ટ, ઝાંઝરડા રોડ, સિલ્વર પાર્ક સોસાયટી, બ્લોક નંબર ૫૦૨ વાળા હોવાનું થોથરાતી જીભે જણાવતા પોલીસે તેની અટક કરી બી ડિવિઝન પોલીસના હવાલે કરતાં પ્રોહી એક્ટની કલમ ૬૬ (૧) બી મુજબ કાર્યવાહી કરી હતી.