ખંભાળિયા નગરપાલિકાની જનરલ બોર્ડ સંપન્ન : રાબેતા મુજબ તમામ ઠરાવ મંજૂર

0

જનરલ બોર્ડ પૂર્વે કેબિનેટ મંત્રીએ સભ્યોની કરી હતી બેઠક

ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે સાંજે પાલિકાના સભાગૃહ ખાતે યોજાઈ હતી. જેમાં એજન્ડાના તમામ ૩૯ ઠરાવ સર્વાનુમતે મંજૂર થયા હતા. ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા તા. ૧ ના રોજ સાંજે પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાગૃહ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ભાજપના ૨૬ સહિત તમામ ૨૮ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અગાઉના બજેટને બહાલી, નગરપાલિકાને બાકી વીજ બિલ માટેની લોન અંગે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને દરખાસ્ત કરવા, તાજેતરના ભારે પુરના કારણે પાણી પુરવઠાની લાઈનો તેમજ મશીનરીને થયેલી નુકસાની અંગેની કામગીરી કરવા, ખંભાળિયા નગરપાલિકાને સરકાર દ્વારા ખાસ કિસ્સાઓમાં ફાળવવામાં આવેલી ગ્રાન્ટ બાબત, ડોર ટુ ડોર કચરા કલેક્શન કાર્યવાહીને બહાલી તેમજ આ અંગેનું નવું ટેન્ડર કરવા, રખડતા ઢોર માટે એનિમલ હોસ્ટેલ બનાવવા માટેની જગ્યા ફાળવવા, મૃત પશુઓના નિકાલ માટેની જગ્યા ફાળવવા માટેની દરખાસ્ત કરવા, સાવરણા અને સાવરણીની ખરીદી તેમજ ડસ્ટબીન વિતરણ કરવા, ભંગાર માલની હરાજી કરવા, ફિલ્ડ વર્કના કર્મચારીઓ માટે સાયકલ ખરીદ કરવા, પબ્લિક ટોયલેટ અને યુરીન બ્લોકની કામગીરી માટે જગ્યા નક્કી કરવા, જુદા જુદા વિસ્તારમાં રંગરોગાન અને ભીંતચિત્રો બનાવવા, અહીંના જામનગર માર્ગ પર રેલવે ઓવર બ્રિજ અંગેની કામગીરી તાકીદે કરવા માટે પત્ર વ્યવહાર કરવા, વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તા રીપેરીંગ કરવા, હેરિટેજ કામોના ફેસ- ૨ ના કામ બાબતે દરખાસ્ત કરવા, કોમ્યુનિટી હોલમાં અદ્યતન ફર્નિચર માઈક અને સાઉન્ડ સિસ્ટમ કરવા, વેલકમ ગેટ ખાતે ઇલેક્ટ્રીક બોર્ડ લગાડવા, સોલાર પ્રોજેક્ટ માટે દરખાસ્ત કરવા, ઘી નદી રિવરફ્રન્ટની મળેલી સૈદ્ધાંતિક મંજૂરી અંગેની કામગીરી કરવા તેમજ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવા સહિતના મુદ્દાઓ આ એજન્ડામાં લેવામાં આવ્યા હતા. જે તમામ સર્વાનુમતે માટે મંજુર થયા હતા. ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસની ઉપસ્થિતિમાં આ સામાન્ય સભાનું સંચાલન દેવેન્દ્રભાઈ વારીયાએ કર્યું હતું અને બેઠકની વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી વિલંબમાં પડેલી અને આશરે સાતેક માસ પછી યોજાયેલી સામાન્ય સભાની આ બેઠક પૂર્વે સંકલન માટે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ તાજેતરમાં તમામ સભ્યો સાથે સંકલનની ખાસ મિટિંગ કરી હતી. જેના ફળ સ્વરૂપે ભાજપના તમામ ૨૬ સભ્ય આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!