દ્વારકા નજીકના ધોરીમાર્ગ ઉપર મંગળવારે ચઢતા પહોરે સફેદ કલરની એક મોટરકારના ચાલકે મૂળવાસર ગામની સીમ વિસ્તારમાં રોડ ઉપર રહેલા ૧૦ જેટલા ગૌવંશને અડફેટે લેતા ગાયોના મોત નીપજ્યાનો બનાવ ખુલવા પામ્યો છે. પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકાથી આશરે ૩૦ કિલોમીટર દૂર મૂળવાસર ગામની સીમમાં તારીખ ૧ ઓક્ટોબરના રોજ સવારે આશરે ચારેક વાગ્યાના સમયે જી.જે. ૧૦ સી.એન. ૪૪૪૭ નંબરની એક સફેદ કલરની ક્રેટા મોટરકારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા રસ્તા પર બેઠેલી ૧૦ જેટલી ગાયને ઠોકરે લેતા આ ગંભીર અકસ્માતમાં ગાયોના મોત નીપજ્યા હતા. આ ઘટના સંદર્ભે મૂળવાસર ગામના રહીશ શુકાભાઈ સોમાભાઈ ચાસીયા (ઉ.વ. ૬૦) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ક્રેટા મોટરકારના ચાલક સામે બી.એન.એસ. તથા એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે ગૌ પ્રેમીઓમાં અરેરાટી સાથે કાર ચાલક સામે રોષની લાગણી પ્રસરાવી છે.