દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત શ્રી નવદુર્ગા ગરબીને થયા ૧૫૦ વર્ષ દ્વારકાની સૌથી પ્રાચીન ગરબી આજ પર્યંત પરંપરાથી ચાલે છે

0

દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરમાં સેવા પૂજા અને યજમાન વૃત્તિ કરનાર શ્રી ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા છેલ્લા ૧૫૦ વર્ષથી દ્વારકાના હોળી ચોકમાં પરંપરાગત પદ્ધતિથી નવદુર્ગા ગરબીનું આયોજન કરવામાં આવે છે. ૧૮૭૪થી શરૂ થયેલ આ ગરબી આજ પર્યંત ચાલે છે જેમાં પુરૂષો બ્રાહ્મણોના પરંપરાગત પોશાક પહેરી નગારાના તાલ ઉપર માતાજીના છંદો ગાયને જગદંબાની ઉપાસના કરે છે. સ્વ. મંગલપ્રસાદ દેવજી દવે પરિવાર દ્વારા લગભગ સાત પેઢીથી માતાજીના છંદો ગવાય છે. વિશેષ આ ગરબી શાસ્ત્રોમાં દર્શાવેલ વિધિ વિધાનથી સગનના લાકડાની પ્રતિમાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. જેમાં નવ દુર્ગાના સ્વરૂપો માતાજીના વાહનો સાથે ખૂબ જ સુંદર લાગે છે. આ વર્ષે આસો સુદ એકમના દિવસે સૂકા મેવાનો મનોરથ, લલીતા પાંચમના દિવસે લલિતા સહસ્ત્ર નામ દ્વારા સહસ્ત્રાર્ચન પૂજન, આઠમના દિવસે કુંનવારા મનોરથ તેમજ દશમના દિવસે વિશેષ ઉત્સવ ઉજવવામાં આવશે. દશમના દ્વારકામાં શોભાયાત્રા દ્વારા દ્વારકાધીશ જગત મંદિર મંદિર ચોક પાસે ગરબો લાવવામાં આવે છે અને ત્યારબાદ ભીડભંજન મહાદેવ મંદિરે ગરબો પધરાવી વિસર્જન કરવામાં આવે છે. છંદોમાં ઈશ્વર વિવાહ, રામ રાવણ, કુંતા અભિમન્યુ, કોયલા ગઢવાળી, આદ્યશક્તિનો છંદ વગેરે ખૂબ જ પ્રખ્યાત છે. આ પ્રસંગે દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ પ્રમુખ યજ્ઞેશભાઇ ઉપાધ્યાય, મંત્રી કપિલભાઈ વાયડા, સહમંત્રી ચેતનભાઇ પુજારી તેમજ સમસ્ત કારોબારી સમિતિ દ્વારા સમસ્ત જ્ઞાતિને ૧૫૦ વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી.

error: Content is protected !!