જૂનાગઢ પંથકમાં ટ્રેનની હડફેટે આવતા સિંહને ઈમરજન્સી બ્રેક લગાવી બચાવી લેવાયો

0

જૂનાગઢ – બિલખા વચ્ચે ગુરૂવારના સાંજના ૬ કલાકના સમયગાળામાં બનાવ બન્યો હતો

જૂનાગઢ બિલખા વચ્ચે ગુરૂવારના રોજ સાંજના ૬ કલાકના અરસામાં ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી સિંહને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યો હતો. ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ૭૦ સિંહોના જીવ બચાવાયા છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે જણાવ્યું કે, તારીખ ૩ ઓક્ટોબરના સાંજે ૬ કલાકના અરસામાં લોકો પાયલટ બલીરામ કુમાર અને સહાયક લોકો પાયલટ ચિંતન કુમાર જૂનાગઢ-બિલખા સેક્શનની વચ્ચે જ્યારે એક સિંહને રેલવે ટ્રેક ક્રોસ કરતા જોવામાં આવ્યો, ત્યારે પેસેન્જર ટ્રેન નંબર ૦૯૫૪૦ જૂનાગઢ-અમરેલીને ઈમરજન્સી બ્રેક લગાવીને રોકવામાં આવી હતી. લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી હતી. થોડા સમય બાદ ફોરેસ્ટ ગાર્ડ આવ્યા અને સિંહને ટ્રેક પરથી ખસેડાયા બાદ લોકો પાયલટ દ્વારા ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી. આ કામગીરી બદલ એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાંશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્‌સને અભિનંદન પાઠવ્યા હતા. અત્રે નોંધનીય એ છે કે, છેલ્લા ઘણા સમયથી સાવજો રેલવે ટ્રેક નજીક આવી પહોંચે છે અને મોતને ભેટ્યાના બનાવો પણ બની રહ્યાં છે. જો કે, ગીરનું ઘરેણું સાવજોને બચાવવા માટે વનવિભાગની સાથે હવે રેલવે વિભાગ પણ સજ્જ બન્યું છે. ત્યારે જ બિલખા- જૂનાગઢ વચ્ચે પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી સાવજનો જીવ બચાવ્યો હતો.

error: Content is protected !!