સ્ટારપ્લસની ‘અનુપમા’ સીરીયલના ડ્રોન ઓપરેટર સામે જાહેરનામાના ભંગ બદલ નોંધાયો ગુન્હો
દ્વારકાધીશ જગતમંદિર નજીક ગોમતી ઘાટ પાસે ડ્રોન કેમેરો ઉડયા અંગેનો વીડીયો વાયરલ થતાં સતત બીજા દિવસે જગતમંદિર નજીક ડ્રોન કેમેરા ઉડયા અંગેનો વીડીયો વાયરલ થતાં પોલીસ દ્વારા જવાબદારો સામે જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટારપ્લસ ચેનલની લોકપ્રિય સીરીયલ ‘અનુપમા’ની ટીમ પાંચ દિવસના દ્વારકાના શીડયુલ શુટીંગ માટે દ્વારકા આવેલ હોય આજરોજ તેમના દ્વારા દ્વારકાધીશ મંદિર નજીક ગોમતી ઘાટ પાસેથી ડોન પ્રતિબંધીત વિસ્તારમાં ડ્રોન કેમેરાથી શુટીંગ કરાયા અંગેનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઈ. દિપક ભટ્ટ તથા ટીમે શુટીંગ ટીમના જવાબદારોને ડ્રોન કેમેરા તથા સાહિત્ય સાથે પોલીસ સ્ટેશને રજૂ કરી તપાસ હાથ ધરી હતી અને ડ્રોન ઓપરેટર સુરેશભાઈ નારણભાઈ બરવાડીયા, રહે.જૂનાગઢ વાળા સામે જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધી ધોરણસરની કામગીરી હાથ ધરી હતી. આ સાથે વહીવટી તંત્રે ડ્રોન ઉડાવવા અંગે કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં આવેલ ન હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશ જગતમંદિર આતંકવાદીઓના હીટલીસ્ટમાં હંમેશા રહ્યું હોય ભૂતકાળમાં પાકીસ્તાન દ્વારા ટાર્ગેટ પણ કરાયું હોય જગતમંદિરની સુરક્ષા માટે સરકારે ઝેડ કેટેગરીની સુરક્ષા આપી હોય ત્યારે જગતમંદિર આસપાસ ડ્રોન કેમેરો પ્રતિબંધિત હોય આમ છતાં ગઈકાલ બાદ આજે પણ સતત બીજા દિવસે ડોન કેમેરો ઉડયા અંગેના વીડીયો વાયરલ થતાં પોલીસની કામગીરી અંગે અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. આ સાથે ગઈકાલની ડ્રોન ઉડયાની ઘટના અંગે કોઈ નિષ્કર્ષ આવેલ ન હોય આજની ડ્રોન ઉડવાની ઘટના સાથે ગઈકાલના બનાવ વચ્ચે સમન્વય છે કે કેમ તે પણ તપાસનો વિષય બની ગયો છે.