ઓકટોબર : “સ્તન કેન્સર જાગૃતિ માસ” : ૨૫% સ્તન કેન્સર ૫૦ વર્ષથી નાની ઉંમરની મહિલાઓમાં જોવા મળે છે : ડો.દિવ્યા સિંધ

0

મેમોગ્રાફી દ્વારા સ્તન કેન્સરનું સચોટ નિદાન થઈ શકે : ડો.નિશા ઘોડાસરા

સ્તન કેન્સર એ ભારતીય મહિલાઓમાં સૌથી વધુ જોવા મળતુ કેન્સર છે. જેના આંકડા પ્રતિદિન વધી રહ્યા છે. ભારતમાં દ૨ ૪ મિનિટે એક સ્ત્રીમાં સ્તન કેન્સરનુ નિદાન થાય છે જયારે દર ૧૩ મિનિટે એક સ્ત્રી સ્તન કેન્સરથી મૃત્યું પામે છે, જે અત્યંત ચિંતાજનક વિષય છે. આથી જ ઓકટોબર મહિનાને વિશ્વસ્તરે “સ્તન કેન્સર જાગૃતિ માસ” તરીકે ઉજવવામાં આવે છે, જેથી આ કેન્સર માટે જવાબદાર પરિબળો વિશે જન જાગૃતી કેળવીને તેને થતું અટકાવી શકાય તેમજ શરૂઆતના સ્ટેજમાં નિદાનની “સ્ક્રીનીંગ” પધ્ધતીઓના બહોળા પ્રચારથી તેને વહેલી સારવાર આપી દર્દીને કેન્સરમુકત કરી શકાય છે. રાજકોટ કેન્સર સોસાયટીના(નાથાલાલ પારેખ કેન્સર ઈન્સ્ટીટયુટ) ઓન્કો રેડીયોલોજીસ્ટ ડો.દિવ્યા સિંધ એ જણાવેલ કે સ્તન કેન્સર સામાન્ય રીતે ૫૦-૬૦ વર્ષની સ્ત્રીઓમાં જોવા મળે છે. પરંતુ તે નાની વયની સ્ત્રીઓમાં તેમજ પુરૂષોમાં પણ થઈ શકે છે. આ માટે જવાબદાર કારણોમાં મુખ્યત્વે મોટી ઉંમરે માતૃત્વ, બાળકોને સ્તનપાન ના કરાવવું, મેદસ્વિતા, બિન આરોગ્યપ્રદ ખોરાક, ઉંઘનો અભાવ, બેઠાળુ જીવન, અમુક અંતઃસ્ત્રાવી દવાઓનો ઉપયોગ, ધુમ્રપાન કે દારૂનું સેવન તેમજ આનુવંશિક પરિબળોનો સમાવેશ થાય છે. સ્તન કેન્સરની સ્ક્રીનીંગ પધ્ધતીઓ, કે જે રોગના લક્ષણ રહિત વ્યકિતઓમા ખુબ શરૂઆતના સ્ટેજમાં કેન્સરનું નિદાન શકય બનાવે છે. તેમાં સ્તન સ્વ પરિક્ષણ, સમયાંતરે તબીબી પરિક્ષણ તથા મેમોગ્રાફીનો સમાવેશ થાય છે તથા સારવારની પધ્ધતીમાં મુખ્યત્વે સર્જરી, રેડિયોથેરાપી અને સીસ્ટેમીક થેરાપી (કીમોથેરાપી, ઈમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી)નો સમાવેશ થાય છે. ૪૦ વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓએ વર્ષે એક વાર મેમોગ્રાફી તપાસ કરાવવી જોઈએ. રાજકોટ કેન્સર સોસાયટીના ઓન્કો રેડીયોલોજીસ્ટ ડો.નિશા ઘોડાસરાએ જણાવેલ હતું કે, સ્તનમાં જે ગાંઠો થાય છે તેમાંથી ૮૦% ગાંઠો બીન કેન્સરયુકત હોય છે. તેમાં સાદી ગાંઠો અને કેન્સરયુકત ગાંઠો જોવા મળે છે. જેમ કે સાદી ગાંઠ હોય તો માસીક ઋતુચક્ર સાથે સ્તન ના કદમાં ફેરફાર થાય તેમજ દુઃખાવો થવો, ગાંઠને હાથથી પકડી ન શકાય, અડવાથી પોચી અને લીસી લાગે, ગાંઠનું કદ વર્ષો સુધી વધતુ નહોય, સ્તનની ચામડી કે ડીટળીમાં કોઈ ફેરફાર થતો નથી જે સાદી ગાંઠના લક્ષણો છે. જો કેન્સરયુકત ગાંઠ હોય તો સ્તનના કદમાં ફેરફાર થાય છે પરંતુ દુઃખાવો થતો નથી, ગાંઠને હાથ વડે પકડી શકાય છે અને ફીકસ રહે છે, ગાંઠ ખરબચડી અને સખત હોય છે, ગાંઠની સાઈઝ મહિનાઓમાં લગભગ ડબલ થાઈ જાય છે, સ્તનની ચામડીનો રંગ નારંગી થઈ જાય છે અને ડીંટળી અંદર તરફ ધસી જાય છે, ડીંટળીમાંથી લોહી તથા પરૂ જેવું ચીકણું પ્રવાહી વહે છે જે કેન્સરયુકત ગાંઠના લક્ષણ છે. વધુમાં જણાવેલ કે જો પરીવારમાંથી કોઈને સ્તન કેન્સર હોય તો તે વારસાગત પણ આવવાની શકયતા રહે છે. જયારે સ્તનની સાઈઝ વધારે હોય તેવા કિસ્સામાં પણ કેન્સર થવાની શકયતાઓ રહે છે. જો સ્તન કેન્સરનું વહેલું નિદાન થાય અને તેની સારવાર કરવામાં આવે તો મૃત્યુ થવાની શકયતાઓ ઓછી થાય છે અને દર્દીનું જીવન બચાવી શકાય છે. સ્તન કેન્સરના લક્ષણોમાં સ્તનની ત્વચા ખરબચડી થવી, સાઈઝમાં ફેરફાર થવો, નરી આંખે જોઈ શકાય તેવી ગાંઠો દેખાવી, સ્તનમાંથી ગાંઠો થવી, બગલમાં ગાંઠો થવી, સ્તનનો કલર બદલવો, ડીંટળી અંદર તરફ ધસી જવી, સ્તનમાંથી લોહી પડવું વગેરે લક્ષણો છે. જો શરૂઆતી તબકકામાં જ તેનું યોગ્ય નિદાન અને સારવાર કરવામાં આવે તો તેને વધવાથી અટકાવી શકાય છે. તેના માટે સમયસર સ્ક્રીનીંગ કરાવવું ખુબ જ જરૂરી છે. જો ઉપરોકત કોઈપણ લક્ષણ જોવા મળે તો તુરંત તબીબની સલાહ લઈ સારવાર શરૂ કરવી જોઈએ.

error: Content is protected !!