જૂનાગઢમાં શાસ્ત્રીય નૃત્ય, મણિયારો રાસ, ગરબાની જમાવટ સાથે વિકાસ સપ્તાહનું સમાપન

0

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં શાસ્ત્રીય નૃત્ય, મણિયારો રાસ, ગરબાની જમાવટ સાથે વિકાસ સપ્તાહનું સમાપન થયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ ખાતેની આસોપાલવ હોટલ ખાતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરાની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુકેશભાઈ કણસાગરાએ જણાવ્યું કે, ગુજરાત વિકાસના પંથે સતત અગ્રેસર રહ્યું છે, વીજળી, પાણી રોડ રસ્તા સહિત દરેક માળખાકીય સુવિધાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ઉપલબ્ધ થઈ છે. લોકોની અપેક્ષાઓ ગુજરાત સરકારે પરિપૂર્ણ કરી છે. તેમણે કહ્યું કે, સામાન્ય લોકો માટે આયુષ્માન કાર્ડ થકી લોકોની આરોગ્યની ચિંતાઓ ટળી છે. આ સાથે તેમણે ધરોહર રૂપ સાંસ્કૃતિક વારસાનું જતન કરવા અને તેમાં ભાગ લેવા માટે પણ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. તેમણે કાર્યક્રમના આયોજકો અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ અને નિવાસી અધિક કલેકટર એન.એફ. ચૌધરીની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ શાબ્દિક સ્વાગત કરતા વિકાસ સપ્તાહની ઉજવણીની પૂર્વભૂમિકા આપી હતી. આ સંસ્કૃતિ કાર્યક્રમમાં ગણેશ વંદના સાથેનું શાસ્ત્રીય નૃત્ય, પ્રાચીન ગરબા, પ્રસિદ્ધ મણીયારો રાસ સહિતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રાંત યુવા વિકાસ અધિકારી હિતેશ ડાંગરે આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે પ્રાંત યુવા વિકાસ અધિકારી ઉપેન્દ્ર રાઠોડ સહિતના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે સંભાળ્યું હતું.

error: Content is protected !!