પુરાવા વગરના આક્ષેપો અર્થહીન : જીલ્લા કલેકટર : ઉના તેલ કાંડને લઈ કોંગી આગેવાનના આક્ષેપો સામે જીલ્લા કલેકટરના વળતા પ્રહારોથી મામલો ગરમાયો
ઉનાના તેલ કૌભાંડનો રાજકોટ ભાજપના મહિલા આગેવાનએ ઉનામાં આવીને વહીવટ પતાવ્યાના ગંભીર આરોપ સાથે તંત્રએ દરોડા પાડેલ તે પુર્વે તોડ કરવા પહોંચેલા ચાર વ્યક્તિઓ કોણ ? આ બધું તંત્રની મિલીભગતથી ચાલતું હોવાના ગંભીર આક્ષેપો ઉનાના પુર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશે કરી તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. તો બીજી તરફ જીલ્લા કલેકટર જાડેજાએ પણ વળતો પ્રહાર કરી પૂંજાભાઈ માત્ર આક્ષેપો કરે છે જાે સત્ય હોય તો પુરાવા રજુ કરવા જાેઈએ. બનાવટી કામ કરતા તત્વોની વકીલાત ન કરવી જાેઈએ. ઉનામાં ગત તા.૧૦ ઓક્ટોબરના જીલ્લા કલેકટરને મળેલી બાતમી આધારે ભવાની એન્ટરપ્રાઇઝ નામની ખાદ્ય તેલ મિલ પર દરોડો પાડીને ૩૧ લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કર્યો હતો. ત્યાંથી મળેલ માહિતીના આધારે તંત્ર દ્વારા જીલ્લાભરમાં ૧૨ જેટલી પેઢીઓ ઉપર દરોડા પાડીને રૂ.૨.૭૮ કરોડનો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કરેલ છે. આ મામલે તંત્રની કાર્યવાહી ચાલી રહી છે દરમ્યાન ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે તેલકાંડ અંગે મુખ્યમંત્રીને સ્ફોટક પત્ર લખી આજે વેરાવળમાં પત્રકાર પરિષદ યોજીને તંત્રની કાર્યવાહી ને લઈ ગંભીર આક્ષેપો કરતા કહેલ કે, તંત્રના દરોડાની આગલી રાત્રે ચાર વ્યક્તિઓએ ભવાની પેઢીના સ્થળે પહોંચીને ૧૫ લાખની માંગ કર્યા બાદ ૪ લાખમાં સમાધાન કરેલ અને આ સમયે એસઓજી બ્રાન્ચનો એક કર્મચારી પણ ત્યાં સ્થળ પર પહોંચ્યો હતો. તો આ વ્યક્તિઓ કોણ ? દરોડામાં મોટી માત્રામાં ખાદ્ય તેલનો જથ્થો સીઝ કર્યો હોવા છતાં જીલ્લા કલેકટરે ફુડ વિભાગને સેમ્પલ લેવાની મનાઈ શું કામ કરી છે ? આ તેલ કાંડને લઈ રાજકોટ ભાજપના મહિલા આગેવાને ઉનામાં આવીને વહીવટ પતાવ્યાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. આ મામલે મુખ્યમંત્રી તપાસ કરાવી પગલાં લે તેવી માંગ કરી હતી. આ મામલે જીલ્લા વહીવટી તંત્ર પર ગંભીર આક્ષેપોને લઈ જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવેલ કે, માત્ર આક્ષેપો કરવા સરળ છે. પુરાવા વગરના આક્ષેપોનો કોઈ અર્થ નથી. પૂંજાભાઈએ પુરાવા રજુ કરવા જાેઈએ. નહીં કે આવા બનાવટી કામ કરતા તત્વોની વકીલાત. આ કેસ ભેળસેળનો નથી. ફુડ સેફટી એકટ મુજબ રીયુઝડ ડબ્બા વાપરવાનો કેસ છે. જેની જાેગવાઈ ફૂડના કાયદામાં હોય તે મુજબ કેસ દાખલ કરી ચલાવવામાં આવશે. દરોડા દરમ્યાન જ્યાં શંકા લાગી છે ત્યાં નમુનાઓ પણ લેવામાં આવ્યા છે. કૌભાંડની કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવી રહી છે.