એક દેશી ગાય પ્રાકૃતિક કૃષિની કામધેનુ ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં થઇ શકે છે ખેતી

0


આજે ગુજરાત સહિત દેશના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવવા લાગ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા અભિયાન શરૂ કર્યું છે. રાજ્ય સરકારના ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની સઘન તાલીમ પણ આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક કૃષિ અંગે થયેલા સંશોધનમાં એવું જાેવા મળ્યું છે કે, દેશી ગાય પ્રાકૃતિક કૃષિની કામધેનુ સમાન છે. કેમ કે, ગાયના ગોબર અને ગૌમૂત્રમાં જમીનને જીવંત રાખવા માટે તથા તેની ફળદ્રુપતા જાળવી રાખતા સુક્ષ્મ જીવાણુ અને પોષક તત્વોનો ખજાનો છે. એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ૩૦ એકર જમીનમાં ખેતી થઇ શકે છે, અને ખેડુતો ઝીરો બજેટમાં ખેતી કરી શકે છે. પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થયેલા અભ્યાસો અને ખેડૂતોના અનુભવોમાં એવું પણ સામે આવ્યું છે કે, દેશી ગાયના ગૌમૂત્રમાં પાકનું જીવનચક્ર પૂરૂ કરવા માટે જરૂરી પોષક તત્વોનો ભંડાર છે. ઉપરાંત તે પાકના વૃદ્ધિ અને વિકાસના નિયંત્રણ માટે જરૂરી હોર્મોન્સ પુરા પાડે છે. આ ઉપરાંત પાકને નુકસાનકર્તા જંતુઓ, બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, વગેરે સામે રક્ષણ આપે છે. જયારે, દેશી ગાયનું ગોબર પણ સુક્ષ્મ જીવાણુઓનો ભંડાર છે. એક ગ્રામ ગોબરમાં જુદા-જુદા પ્રકારના ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા સુક્ષ્મ જીવાણું હોય છે. તે અનેક પ્રકારે જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે. દેશી ગાયના ગોબરમાં વિવિધ પ્રકારના સુક્ષ્મ જીવાણું રહેલા હોય છે.
દેશી ગાયના ગોબરમાં રહેલા સુક્ષ્મ જીવાણુનું કાર્ય
દેશી ગાયનું ગોબર નાઈટ્રોજનનું સ્થાપન કરે છે. ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફરની લભ્યતાનું જતન કરે છે. પેસ્ટીસાઈડ અને હેવી મેટલનું વિઘટન કરે છે. પાકના અવશેષો અને સેન્દ્રીય પદાર્થનું પણ વિઘટન કરે છે. ઉપરાંત જંતુઓ અને રોગકારકોનું જૈવિક નિયંત્રણ કરે છે. સાથે પાક વૃદ્ધિકારકોમાં પણ વધારો કરે છે. આમ, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી જીવામૃત, ઘન જીવામૃત વગેરેથી જમીનને સમૃદ્ધ અને ઉપજાઉ બનાવી શકાય છે. તેમજ ગોબર અને ગૌમૂત્રના ઉપયોગથી તૈયાર થયેલા વિવિધ મિશ્રણથી પાક સરંક્ષણ થઇ શકે છે. આ રીતે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં બહારથી ફર્ટીલાઈઝર, જંતુનાશકો, જૈવિક ખાતરો, જૈવિક દવાઓ વગેરે ખરીદવાની જરૂર રહેતી નથી. પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રના ઉપયોગ કરવાથી નહીવત ખર્ચ, વધારે ઉત્પાદન, ૯૦ ટકા પાણીની બચત, પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય છે. ઉપરાંત પ્રાકૃતિક ખેતી થકી ઉત્પન્ન થયેલ પાક/ ઉત્પાદનો- ઝેરી રસાયણમુક્ત તેમજ પોષણથી ભરપૂર હોય છે. જેના કારણે ખેડૂતોને આગવી ઉપજના સારા ભાવ મળે છે. તેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. ઉપરાંત, આવા ઉત્પાદનો આરોગવાથી સ્વાસ્થ પણ સારું રહે છે. આવા અનેક ફાયદાઓ પ્રાકૃતિક કૃષિ અપનાવાથી થાય છે.
આલેખન ઃ દ્રષ્ટિ નથવાણી

error: Content is protected !!