કોડીનાર તાલુકાની જીવાદોરી સમાન શ્રી બીલેશ્વર ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા માટેની ખાસ સાધારણ સભા યોજાઈ

0

ઇન્ડીયન પોટાશ લી. ન્યુદિલ્હીને લીઝ ઉપર આપી બીલેશ્વર ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા ખાસ સાધારણ સભાએ એકી સુરે ચેરમેનને અધિકાર આપ્યા : છેલ્લા ૧૦ વર્ષથી બંધ પડેલી માતૃસંસ્થા પુનઃશરૂ કરવા સર્વાનુમતે ઠરાવ કરાયો : ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા સહયોગ આપવા બદલ ભારત સરકારના સહકાર મંત્રી અમિતભાઈ શાહનો સભાસદોએ આભાર વ્યક્ત કર્યો

છેલ્લા ૧૦ વર્ષ થી બંધ પડેલી કોડીનાર તાલુકાની જીવાદોરી સમાન શ્રી બિલેશ્વર ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા ખાસ સાધારણ સભા મળી હતી. આ સાધારણ સભામાં ઇન્ડીયન પોટાશ લી. ન્યુદિલ્હીને લીઝ ઉપર આપી ખાંડ ઉદ્યોગને પુનઃ શરૂ કરવા સર્વાનુમતે ઠરાવ કરાયો. આ ર્નિણયથી શેરડી પકવતા ખેડૂતોમાં ખુશી જાેવા મળી હતી. ગીરના ખેડૂતોની જીવાદોરી સમાન છેલ્લા એક દાયકાથી બંધ પડેલી ૧૨૦૦૦ ખેડૂત સભાસદોની માતૃસંસ્થા એવી શ્રી બીલેશ્વર ખાંડ ઉદ્યોગ કોડીનારને ઇન્ડિયન પોટાશ લિ., ન્યુ દિલ્હી સાથે ૩૦ વર્ષના ભાડા કરારથી પુનઃ ચાલુ કરવા બાબતે ખાસ સાધારણ સભા ખાંડ ઉધોગના પટ્ટાગણમાં ચેરમેન પી.એસ.ડોડીયાની અધ્યક્ષતામાં મળી હતી. સાધારણ સભાની શરૂઆત સંસ્થાના એમ.ડી. રાજનભાઈ વૈશએ સાધારણ સભાનું પ્રોશીડિંગ તેમજ ફેકટરીને લીઝ ઉપર આપી શરૂ કરવા સહિતના ફેક્ટરીને લગતા મુદા વાંચીને કરી હતી. જેમાં સભાસદોના પ્રશ્નોના જવાબોની આપલેથી થઈ ત્યારે તમામ મુદ્દાઓની વિસ્તૃત વર્ણન બાદ સાધારણ સભાએ આપેલા અધિકાર મુજબ ઇન્ડિયન પોટાશ લિમિટેડને વહેલી તકે લીઝ ઉપર આપી પુનઃ શરૂ કરવા સર્વે હક્કો ચેરમેનને આપી બિલેશ્વર ખાંડ ઉદ્યોગને ફરી ધમધમતો કરવા સાધારણ સભાએ એક્કી સુરે ઠરાવ કર્યો હતો. આ તેકે ખાંડ ઉદ્યોગના ચેરમેન પી.એસ.ડોડીયાએ જણાવ્યું હતું કે આપણી આ માતૃસંસ્થાને વહેલી શરૂ કરવી એજ અમારી ડાયરેક્ટર બોડીનું મુખ્ય લક્ષ્ય રહ્યું હતું. છેલ્લા એક વર્ષથી સરકારના જ એક ભાગ એવી ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીને આપણી ફેક્ટરી લીઝ ઉપર આપવાની વાત સિધ્ધાંતિક મંજૂરી ના મળવાને લીધે અટકી પડી હતી. જે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ તેઓની સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ધારાસભ્ય અને સાંસદ સહિત અમે ભારત સરકારના સહકાર મંત્રી અને ગૃહ પ્રધાન અમિતભાઈ શાહને મળતાં તેઓની ભલામણથી કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગને ઇન્ડિયન પોટાશ લિમિટેડને લીઝ ઉપર આપવાની મંજુરી મળી ચૂકી છે. ત્યારે આવતા સમયમાં જ બિલેશ્વર ખાંડ ઉદ્યોગ અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ વચ્ચે લીઝના કરારો કરવાના છે જે આ ખાસ સાધારણ સભામાં સભાસદો સામે પારદર્શક રીતે જણાવ્યા છે અને હવે આવતા દિવસોમાં ઈન્ડીયન પોટાશ લિ., ન્યુ દિલ્હી સાથે ૩૦ વર્ષનો લીઝ કરાર તેઓ દ્વારા આ ખાંડ ઉદ્યોગને ચાલું કરવાથી સ્થાનિક સારી આવડત ધરાવતા કર્મચારીઓને પણ રોજગારી મળશે. શરૂઆતથી જ ખેડૂતોને શેરડીનો ટેકાનો ભાવ પણ મળશે તેવો વિશ્વાસ આપી અંતે જણાવ્યું હતું કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યુ દિલ્હી દ્વારા ખાંડ ઉદ્યોગ શરૂ થાય ત્યારે સર્વે એ પોતાની નૈતિકતા સમજી સારી ગુણવત્તા વાળી શેરડી વધુમાં વધુ આપવા જણાવ્યું હતું જેને સર્વે સભાસદોએ ટેકો આપ્યો હતો. અંતે હાજર સર્વેનો કોડીનારના ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાજાએ પોતે ધારાસભ્ય બન્યા ત્યારથી જ આ બંધ પડેલી કોડીનારની માતૃ સંસ્થાને પુનઃ શરૂ કરવાની નેમ લીધી હતી અને જે સફળ થતાં ખુશી વ્યક્ત કરી સર્વેનો આભાર માની સાધારણ સભા પૂર્ણ જાહેર કરી હતી. સૌરાષ્ટ્રમાં ધમધમતા ખાંડ ઉદ્યોગો છેલ્લા એકાદ બે દાયકામાં બંધ થય ચુક્યા છે. તો ગીર વિસ્તારના તાલાલા, ઉના અને કોડીનાર ખાંડ ઉદ્યોગ પણ લાંબા સમયથી બંધ થઇ મૃતપાય બનતા ગીરના ખેડૂતોની કમ્મર તૂટી છે. ત્યારે છેલ્લા દસ વર્ષથી બંધ પડેલી કોડીનારની બિલેશ્વર ખાંડ ઉદ્યોગ શરૂ થવા જઈ રહી છે તેને લઈ ખેડૂતો અને સભાસદોમાં ખુશી જાેવા મળી રહી છે. આ પંથકમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન થાય છે. એક સમય હતો કે ગીરમાં ત્રણ સ્યુગર મિલો ધમધમતી હતી. બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા દસ વર્ષથી બંધ હતો ત્યારે આ વિસ્તારમાં ખેડૂતો શેરડીનું ઉત્પાદન તો કરતા હતા પરંતુ ખેડૂતોને સ્થાનિક રાબડાઓમાં શેરડી આપવી પડતી હતી. જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ ના મળતા હતા ત્યારે હવે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ઈન્ડીયન પોટાશ લિ સહયોગથી શરૂ થવા જઈ રહી છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશી જાેવા મળી રહી છે. સાથો સાથ બિલેશ્વર ખાંડ ઉદ્યોગ શરૂ થવા જઈ રહી છે તેને લઇ માત્ર કોડીનાર તાલુકાને જ નહીં આસપાસના સુત્રાપાડા, તાલાળા અને ગીર ગઢડા તાલુકાના હજારો ખેડૂતોને હવે સીધો ફાયદો થશે. ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ મળશે. ગીરના ખેડૂતો સાથે વેપારીઓને પણ ફાયદો થશે. ખાંડ ઉધોગ બંધ થવાથી આ વિસ્તારનું આર્થિક ચક્ર જાણે થંભી ગયું હતું જે સાધારણ સભામાં ખાંડ ઉધોગને શરૂ કરવાની સર્વાનુમતે મંજૂરી મળતાની સાથે જ ગીર પંથકના ખેડૂતો સહીત તમામ લોકોમાં ખુશી ફેલાઈ છે. આ સાધારણ સભામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, કોડીનારના ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજા, કોડીનાર તાલુકાની સર્વે સહકારી સંસ્થાના આગેવાનો, પદાધિકારીઓ અને તાલુકાભરના અગ્રણીઓ, ખેડૂતો અને સભાસદો બોહળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે કોડીનાર પંથકમાં શેરડીએ મુખ્ય પાક હોય અને તેનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે ત્યારે આ ફેકટરી બંધ રહેવાથી ૭૮ જેટલા ગ્રામ્ય વિસ્તારના ૧૨૦૦૦ જેટલા સભાસદો, ખેડુતો અને તાલુકાના વેપારીઓને દર વર્ષે અંદાજે ૧૦૦ કરોડ જેટલા ટર્નઓવરનું નુકસાન થાય છે. ત્યારે વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યુ દિલ્હીને આ ખાંડ ઉદ્યોગ લીઝ ઉપર આપી કોડીનારની જીવાદોરીની પૂનઃ જીવિત કરવાના સંકલ્પથી તાલુકાભરમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.
ખાંડ ઉદ્યોગ પુનઃશરૂ થવાનો શ્રેય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહને આપું છું ઃ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી
જૂનાગઢ જિલ્લાના કદાવર અને કાયમ કોડીનાર તાલુકાના વિકાસમાં અગ્રેસર રહેનારા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ આ ખાસ સાધારણ સભામાં ઉપસ્થિત રહી સભાસદો અને ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગને પુનઃ ધમધમતી કરવા માટે ગૃહ મંત્રી અમિતભાઈ શાહે આપેલ વચનને તેઓએ પૂર્ણ કરી બતાવ્યું છે. આ ર્નિણયથી કોડીનાર તાલુકાનો વિકાસ વેગવંતો થશે. અહીંના ખેડૂતો સમૃદ્ધ થશે માટે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ અને પુનઃ શરૂ કરવાનો સંપૂર્ણ શ્રેય ગૃહમંત્રી અમિતભાઈ શાહને આપું છું અને આ તકે તેમનો ખુબ ખુબ આભાર માન્યો હતો. સાથે જ એક મહત્વની વાત જણાવી હતી કે કોડીનાર સુગર ફેકટરી ઉપર જી.એસ.સી. બેંકનું મોટું લેણું હોય અને દર વર્ષે મોટી વ્યાજની રકમના ભારણ હેઠળ ખાંડ ઉદ્યોગ દબાતો જતો હોય તેમાં પણ ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા ઓ.ટી.એસ યોજના હેઠળ ૬૮ કરોડ જેટલી મોટી રકમ માફ કરવાનો લાભ અપાવતા આ ખાંડ ઉદ્યોગને પુનઃ ધમધમતો કરવા માટે જે સહકાર આપ્યો છે તે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું હતું કે અહીંના ખેડૂતો વર્ષોથી જે આશા લગાડીને બેઠા હતા તે આજે સફળ થવા જઈ રહી છે માટે સર્વેને આ સહકારી માતૃસંસ્થાને કાયમ પ્રગતિશીલ રાખવા જરૂરી સૂચનો આપ્યા હતા. જેને હાજર રહેલા હજારો ખેડૂત સભાસદોએ સહમતી આપી હતી. સાથોસાથ આ મોંઘવારીના સમયમાં જે ખેડૂતો ને આવતા દિવસોમાં ખાંડ ઉદ્યોગ શરૂ થવા સમયે શેરડીના બિયારણો સંબંધિત જે સહાયો જાેશે તે પણ કોડીનાર યુનિયન બેંક વતી દિનુભાઈ સોલંકીએ ધિરાણની ખાતરી આપી હતી અને તે આ ભગીરથ કાર્યમાં જે જે સહભાગી થયેલા અગ્રણીઓ તેમજ સભાસદો, ખેડૂતો અને ખાંડ ઉદ્યોગના બોર્ડ ઓફ ડિરેક્ટરને પણ બિરદાવ્યા હતા.

error: Content is protected !!