ખંભાળિયામાં ભૂગર્ભ ગટરના ઢાંકણા જીવલેણ : ઓટો રીક્ષાનું વ્હીલ ગટરમાં ખાબક્યું

0

લાંબા સમયથી પડતર હાલાકીનો નિકાલ ન આવતા નગરજનોમાં રોષ

ખંભાળિયા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર યોજના હાલ તો સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે. આ વચ્ચે આ ભૂગર્ભ ગટરના મેન હોલના ઢાંકણા પણ ખખડી અને તૂટી જતા તેના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માત થવાના બનાવો સામે આવે છે. ત્યારે બે દિવસ પૂર્વે રાત્રે અહીંના સ્ટેશન રોડ વિસ્તારમાં ગટરના તૂટેલા ઢાંકણામાં એક રીક્ષાનું આખું વ્હીલ ઘુસી જતા અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. તંત્રની ઘોર બેદરકારીના વાયરલ થયેલા વિડીયો સાથેના આ બનાવમાં ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા એક ખુલ્લા ભૂગર્ભ ગટરના ઢાંકણાના કારણે આ માર્ગ પરથી પસાર થતી એક ઓટો રીક્ષાનું આગળનું વ્હીલ એકાએક આ ગટરમાં ખાબક્યું હતું. જેમાં રહેલા બે-ત્રણ મુસાફરો ભયભીત બની ગયા હતા. આટલું જ નહીં, આ તૂટેલા ઢાંકણાના કારણે અહીંથી પસાર થતા મોટરસાયકલ ચાલકો પણ પડતા આખડતા માંડ બચ્યા હતા. ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના આવા તૂટેલા તેમજ ખુલ્લા ઢાંકણાઓ કોઈ જીવલેણ અકસ્માત સર્જે તે પહેલા તંત્ર દ્વારા તાકીદે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેમ સુજ્ઞ નગરજનો ઈચ્છી રહ્યા છે.

error: Content is protected !!