ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૦૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા ખુબ જ નજીવી આવકવાળા રઘુવંશી પરિવારોને ખાસ પરમીટ આપવામાં આવી છે. કીટ વિતરણની આ પ્રવૃત્તિ સતત ૪૨ માં વર્ષે પણ અવિરત કાર્યરત છે. વર્ષ ૧૯૮૨ થી ચાલી આવતી આ સેવામાં પીઢ દાતા મુળજીભાઈ પાબારી એક આધારસ્તંભ સમાન રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેમના દ્વારા આ કીટ વિતરણનો સમગ્ર ખર્ચ આપવામાં આવે છે. આ દિવાળી પર્વ નિમિત્તે તેમના તરફથી પરિવાર દીઠ રૂા.૫૦૦ ની રાશનની કીટ આપવામાં આવી હતી તેમજ બીજા દાતા સ્વ. મંજુલાબેન ગોકલદાસ બરછા (હ. કિશનભાઈ ગોકલદાસ બરછા) દ્વારા પણ મીઠાઈનું વિતરણ કરાવી, પુણ્યનું ભાથું બાંધવામાં આવ્યું હતું. કીટ વિતરણની આ વ્યવસ્થા ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કાનાણી તેમજ નિશિલભાઈ કાનાણીએ સુવ્યવસ્થિત રીતે સંભાળી હતી. આ સાથે તમામ દાતાઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.