ખંભાળિયામાં સફાઈ કામદારો દ્વારા હડતાળની પરિસ્થિતિ વચ્ચે મધ્યસ્થી : સફાઈ કાર્ય હાથ ધરાયું

0

દીપોત્સવી નિમિત્તે મર્યાદિત સંખ્યામાં સફાઈ કામદારો કામમાં લાગી ગયા

ખંભાળિયા નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો દ્વારા તેઓની પડતર માંગણીઓને અનુલક્ષીને તારીખ ૨૧મીથી હડતાલ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને શહેરમાં ઉભરાતી ગટરો તેમજ ઠેર ઠેર કચરાના ગંજ વચ્ચે નર્કાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ વચ્ચે તાજેતરમાં પાલિકાના હોદ્દેદારો, અગ્રણીઓ, ભાજપના નેતાઓ વિગેરે સાથેની બેઠક અને ચર્ચાઓ નિષ્ફળ નિવડી હતી. આ પછી ગતરાત્રે નગરપાલિકાના પ્રાદેશિક નિયામક જાની દ્વારા યોગ્ય માર્ગદર્શન વચ્ચે અહીંના સ્થાનિક અગ્રણીઓ દ્વારા સફાઈ કામદારોના નેતા રમેશભાઈ વાઘેલા સાથે કરેલી મહત્વની ચર્ચાઓના અંતે હાલ દિવાળીના તહેવાર હોય અને શહેર ગંદકીમાં ફેરવાઈ ગયું હોય, હિન્દુઓનો આ મુખ્ય તહેવાર બગડે તેવી પરિસ્થિતિ વચ્ચે હડતાલ મુલતવી રાખવાનો અનુરોધ કરવામાં આવતા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્‌યા, અધિક કલેક્ટર જોટાણીયા, ડેપ્યુટી કલેકટર કે.કે. કરમટા, અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય, વિગેરે વચ્ચેની ચર્ચાઓ પછી હાલ હડતાલ આંદોલન ચાલુ રાખીને કેટલાક કર્મચારીઓ સફાઈ કાર્યમાં જોડાઈ જશે અને પ્રતિક હડતાલ વચ્ચે કર્મચારીઓ સફાઈ કાર્યમાં જોડાઈ જવા માટે સહમત થયા હતા. આ પછી પાલિકા સફાઈ કર્મી મંડળના રમેશભાઈ વાઘેલા દ્વારા ગતરાત્રે જ ૨૦ યુવાનોને કામે લગાડીને શહેરના મહત્વના એવા સ્ટેશન રોડ, નગર ગેઈટ, જોધપુર ગેઈટ વિગેરે વિસ્તારો કે જ્યાં ખુલી ગટરો ઉભરાતી હતી તેમજ અહીં વ્યાપક પ્રમાણમાં કચરા અને ડૂચાથી ગટરો જામ થઈ ગઈ હતી, તે ખોલાવી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરાવી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુર તથા સફાઈ વિભાગના રાજપાલ ગઢવી વિગેરે દ્વારા ગતરાત્રિના જ ટ્રેક્ટર, ટેમ્પો વિગેરે જેવા વાહનો મુકાવીને કચરો ભરાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાવવામાં આવી હતી. તહેવારોમાં પણ પ્રતિક ઉપવાસ ચાલુ રાખીને સફાઈ કામદારોએ સફાઈ કામગીરી હાથ ધરતા નગરજનોએ રાહતનો દમ લીધો છે. આ વચ્ચે આજથી રાબેતા મુજબ કામદારો કામ પર ચડી ગયા છે અને શહેરમાં શેરી-ગલીઓ અને રોડ-રસ્તાઓની સફાઈ કરી અને કચરો એકત્ર કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. સફાઈ આંદોલનના કન્વીનર રમેશ વાઘેલાએ દિવાળીના તહેવારો તેમજ નૂતન વર્ષ સુધી રોજ સફાઈ કાર્ય ચાલુ રહેશે અને ત્યાર બાદ રાબેતા મુજબ તેઓ ફરીથી સામુહિક હડતાલમાં જોડાઈ જશે તેમ જણાવ્યું હતું. ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારોના પ્રયત્નો અંગે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્‌યા દ્વારા તેઓની રજૂઆતો સાંભળીને પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સાથે તથા નગરપાલિકાના હોદ્દેદારો, પદાધિકારીઓ સાથે દિવાળી પછી પ્રશ્નોના નિરાકરણ માટે પાલિકા તંત્ર, કમિશનર અને આંદોલનકારીઓ સાથે મળીને ચર્ચા કરી, યોગ્ય નિરાકરણ લાવે તે માટેના પ્રયાસોનું આયોજન થયું છે. સતત આઠ દિવસ હડતાલ પછી સફાઈ કાર્ય શરૂ થતા લોકોને હાલ કામ ચલાઉ રાહત થઈ છે.

error: Content is protected !!