ખંભાળિયા નજીક રામનગર વિસ્તારમાં આવેલા પોલીસ હેડ ક્વાર્ટર નજીકના પરેડ ગ્રાઉન્ડમાં સવારના સમયે પોલીસ સ્ટાફની પરેડ પ્રેક્ટિસ ચાલી રહી હતી. જેમાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. ત્યારે આ પ્રેક્ટિસ દરમિયાન અહીંથી જુના તથીયા ગામનો સંજય લાખાભાઈ કરમુર નામનો શખ્સ તેનું જી.જે. ૩૭ પી. ૯૨૯૩ નંબરનું મોટરસાયકલ લઈને ત્યાંથી નીકળતા અહીં રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ છત્રપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ. ૩૦, રહે. ભોપલકા) એ તેને રોક્યો હતો. અને અહીં પરેડ પ્રેક્ટિસ ચાલુ હોવાથી પરેડ ગ્રાઉન્ડમાંથી નહીં નીકળવા માટે તેને સમજાવ્યું હતું. પરંતુ આરોપી શખ્સે હેડ કોન્સ્ટેબલ છત્રપાલસિંહ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેફામ વર્તણૂક કરી, ગાળાગાળી કરી અને હુમલો કર્યો હતો. આટલું જ નહીં, આરોપી સંજય કરમુર દ્વારા ધમકી પણ આપવામાં આવતા આ સમગ્ર ઘટનામાં પોલીસ ફરજમાં રૂકાવટ થવાથી ખંભાળિયા પોલીસે આરોપી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.