દરરોજ હજારો ભક્તો આવે છે સાવરીયા શેઠના સાનિધ્યમાં
રાજસ્થાનમાં આવેલા પૌરાણિક એવા સાવરીયા શેઠના મંદિરે દરરોજ અલગ અલગ પ્રાંતમાંથી મોટી સંખ્યામાં ભક્તો માથું ટેકવવા આવે છે. ભગવાનના અનેક પરચાઓ જીવંત જણાય છે, ત્યારે આ મંદિર અનેરી આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. રાજસ્થાનમાં ચિત્તોડગઢ જિલ્લામાં સ્થિત એવા શ્રી સાવરીયા શેઠજી મંદિરમાં આવતા મોટી સંખ્યામાં ભક્તો યથાશક્તિ તેમજ નીરધાર્યા મુજબ સારી એવી રકમનું અનુદાન પણ કરે છે. ભગવાન પાસે કરેલી પ્રાર્થના તેમજ મહેચ્છા અને આસ્થા પૂર્ણ થયે ભક્તો સાવરીયા શેઠના ચરણમાં શીશ ઝૂકાવવા આવે છે. ફક્ત રાજસ્થાન કે ભારતના જ નહીં, પરંતુ દેશ-વિદેશના હજારો શ્રદ્ધાળુઓની અનેરી આસ્થાનું કેન્દ્ર સાવરીયા શેઠનું આ મંદિર છે. જેમાં આસ્થા ધરાવતા ભક્તો તેમજ ખાસ કરીને વેપારીઓ પણ અહીં ભગવાનને ભાગ અને ભોગ ધરાવવા અચૂક આવે છે. વૈષ્ણવોના તેમજ હિન્દુઓના અનેરી આસ્થાના પ્રતિક એવા નાથદ્વારા (શ્રીનાથજી) આવતા-જતા યાત્રાળુઓ સાવરીયા શેઠ મંદિરની ખાસ મુલાકાત લે છે.