સૌ લાભાર્થીઓ બંને હાથ ઊંચા કરી ગગનભેદી નાદ સાથે રાજ્ય સરકારના પુર્વ સચિવ કે.જી.વણઝારાનો આભાર વ્યક્ત કર્યો હતો
વિચરતી અને વિમુક્ત જાતિઓના સમુદાયોના કલ્યાણ અને પાકી છતનું સુખ નસીબ થાય અને સઘળો સમુદાય સશક્તિકરણ તેમજ અન્ય સમાજની સાથે મુખ્યધારામાં ભળે અને પોતાના પાકા સરનામાં સાથે નવા જીવનના અધ્યાયની શરૂઆત થાય તે આશ્રય સાથે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ગામે “સુખના સરનામાં” માટે મહત્વપૂર્ણ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં યુવા સામાજીક અગ્રણી દેવરાજ રાઠોડ દ્વારા શાબ્દીક સ્વાગત અભિવાદન કરાયું હતું. વિચરતી અને વિમુક્ત જાતી પૈકીના અતિપછાત ગાડલીયા લુહાર સમુદાયના લોકો માટે સમર્પિત સુવિધા અને સહાયક માળખું સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી તેઓને શિક્ષણ,આરોગ્ય સંભાળ,આજીવિકા અને સામાજિક સમાવેશ માટે સમાન તકો અને સંસાધનો થાય અને પોતાનું કહી શકાય તેવું કાયમી સરનામું મળે તે માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને જૂનાગઢ લોકસભા બેઠકના સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ, એશિયાટિક કોલેજના સ્થાપક પ્રમુખ ગોપાલભાઈ ભુવા, વડવાળી જગ્યાના મહંત પૂ.અલ્પેશબાપુ, પરમ પૂજ્ય સુંદરદાસ બાપુ, ભેંસાણ યુવા અગ્રણી રેનીશ મહેતા તેમજ ગાડલીયા લુહાર સમાજના યુવા અગ્રણી દેવરાજ રાઠોડ અને સૌ કોઈ આગેવાનો દ્વારા શોભાયમાન આપવામાં આવ્યું હતું. છેવાડાના માનવીઓ દ્વારા વેઠવામાં આવતા અનેક પડકારો અને પછાતપણાને દૂર કરવા ભાર મૂકવામાં આવ્યો હતો અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજના વિશે માહિતી આપી હતી. સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ વિચરતી જાતીના સમુદાયો અન્ય સમાજની જેમ મુખ્યધારામાં ભળે અને વિકાસની પ્રક્રિયામાં ધ્યાન કેન્દ્રિત કરે તે બાબતે સજાગ કર્યા હતા સાથે સાથે સાંસદએ આ સમુદાયના જગ્યા મકાન બનવાના છે તે જગ્યા ઉપર રોડ રસ્તા માટે રૂપિયા પાંચ લાખ આપવાની જાહેરાત પણ કરી હતી. જ્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે વિચરતી જાતીઓએ આજે પણ પોતાના પહેરવેશ, ભાષા, બોલી અને પોતાની સંસ્કૃતિને જાળવી રાખી છે અને સંસ્કૃતિ સંસ્કાર સાથે સાથે હસ્તકલા તેમજ પોતાની આવડતને ઉજાગર કરવા હાંકલ કરી હતી અને તેમજ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી પીવાના પાણી માટે ક્યારેય રઝળપાટ ન કરવો પડે તે માટે પાંચ લાખની રકમ ફાળવવાની જાહેરાત કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે કહ્યું કે, ઘર વિહોણા હોવું એ ભારે દુઃખની વાત છે, આ દુઃખમાંથી સુખ તરફ આગળ વધવા ઐતિહાસિક રીતે હાંસિયામા ધકેલાઈ ગયેલા વિચરતી અને વિમુક્ત જાતીના ગાડલીયા લુહાર સમુદાય તેમજ સમગ્ર વિચરતી જાતીઓને ન્યાયી સમાજમાં વિકાસની તક મળી છે. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં એશિયાટિક કોલેજના સ્થાપક પ્રમુખ ગોપાલભાઈ ભુવાએ વિચરતી અને વિમુક્ત જાતીના બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા તેમજ આર્થિક, સામાજીક, આરોગ્યલક્ષી અને કૌશલ્ય વિકાસ સ્થાપવા માટે માર્ગદર્શીત કર્યા હતા. આ શરૂઆત માત્ર મકાન બનાવવા માટે નથી પરંતુ આવા છેવાડાના માનવીઓ માટે આશા અને ગૌરવનું પુનઃ નિર્માણ છે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ છેકે આવા તક વંચિત લોકોને નિર્માણની દરેક તક મળવી જાેઈએ જેના માટે અમે કાયમી ધોરણે કટિબદ્ધ છીએ. આજનો આ ખાતમુહૂર્ત કાર્યક્રમ સમાનતા તરફની પરિવર્તનકારી યાત્રાની શરૂઆત દર્શાવે છે, જ્યાં દરેક સમુદાય,ભલે તેમનો ઈતિહાસ કે જીવનશૈલી હોય ગર્વ અને તક સાથે હમેશાં આગળ વધવું જાેઈએ. ગાડલીયા લુહાર સમુદાયના નવા બનવા જઈ રહેલા મકાનોમાં અવરજવરના રોડ રસ્તા માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ પાંચ લાખ તેમજ પીવાનાં પાણીના બોર માટે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈએ પણ પાંચ લાખ આપવાની વાત કરી હતી. આ ભૂમિપૂજન એ લાંબા સમયથી ચાલતી અસમાનતાઓને સુધારવા તરફનું એક પગલું છે, અને તમામ હિસ્સેદારોના સમર્થન સાથે, ઉદ્દેશ્ય એવા ભવિષ્યનું નિર્માણ કરવાનો છે જ્યાં વિચરતી જાતિઓ રાષ્ટ્રની પ્રગતિનો અભિન્ન ભાગ છે.