દ્વારકા નજીક અજાણ્યા શખ્સો દ્વારા કુંજ-કરકરાનો શીકાર : અંધારામાં ઓગળી જતા અજાણ્યા શિકારીઓ

0

શિયાળાની ઋતુ દરમ્યાન દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકા વિસ્તારમાં અનેક વિદેશી પક્ષીઓ મહેમાન થઈને આવતા નજરે પડ્યા છે. હાલ શિયાળાની શરૂઆત થતાં જ આ વિદેશી પક્ષીઓનો અહીં પ્રવાહ શરૂ થઈ ગયો છે. સદીઓથી અનેક વિદેશી પક્ષીઓ અને ખાસ કરીને માઇગ્રેટરી પક્ષી એવું કુંજ પક્ષી દ્વારકા વિસ્તારમાં શિયાળો ગાળવા માટે આવે છે. ત્યારે દ્વારકા વિસ્તાર આ પક્ષીઓના વસવાટ માટે ઉત્તમ હોય શિયાળાની ઋતુ શરૂ થતાં જ દ્વારકા વિસ્તારમાં આવવાનું ચાલુ થઈ જાય છે. આ પક્ષીઓ વિસ્તારોની જમીન ઉપર અને આકાશમાં નયનરમ્ય વાતાવરણ ઉભુ કરે છે. મોટા ભાગે ડિસેમ્બર મહિનામાં મોટી સંખ્યામાં આ પક્ષીઓ અહી આવી જતા હોય છે. કુંજ એક માઇગ્રેટરી પક્ષી છે, જે સદીઓથી દ્વારકા વિસ્તારમાં શિયાળાની ઋતુમાં આવે છે. જેથી દ્વારકા વિસ્તારે આ પક્ષીઓના ફ્રેબીટેટ તરીકે વિશ્વ સ્તરે માન સન્માન મેળવ્યું છે. આ વચ્ચે પક્ષીઓને સાચવવાએ દ્વારકાવાસીઓની સામાજીક તથા નૈતિક જવાબદારી બને છે. દ્વારકા વિસ્તારના લોકોએ પણ કુંજ પક્ષી અને અન્ય પક્ષીઓના સમર્થન અને રક્ષણ માટે અમૂલ્ય ફાળો આપવો જરૂરી બન્યો છે. તેમ છતાં અમુક વખત અસામાજિક તત્વો દ્વારા આ વિદેશી પક્ષીઓને જાળમાં ફસાવવામાં આવે છે અને શિકાર કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારની પ્રવૃતિ ક્યાંય જાેવા મળે અથવા દ્વારકા તાલુકા વિસ્તારમાં ક્યાંય પણ બીમાર વસંતકુંજ કે અન્ય વન્ય પ્રાણી પક્ષી જાેવા મળે તો દ્વારકા રેન્જ ફોરેસ્ટ ઓફિસના અધિકારીઓને જાણ કરવા માટે અને જન જાગૃતિના અર્થે અધિકારીઓએ પત્રિકાઓ છપાવીને સોશિયલ મીડિયા તેમજ દ્વારકા તાલુકામાં જાગૃતિ અભિયાન પણ ચલાવે છે. તેમ છતાં પણ શનિવાર તારીખ ૨૩ ના રોજ દ્વારકા વન વિભાગના સ્ટાફ શિયાળા દરમિયાન આવતા યાયાવર પક્ષીઓના રક્ષણ સહિતની કામગીરી કરતા હોય, તે દરમિયાન વહેલી સવારે ચરકલા, મુળવેલ નાગેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી દરમિયાન દ્વારકા નજીકના નાગેશ્વરના ભીમગજા તળાવની પાછળ મુળવેલ ચાર રસ્તા બાજુ જતા રસ્તામાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા વન્યજીવ ડોમેસાઇલ ક્રેન (કુંજ-કરકરા)નો શીકાર કરવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી હતી. પેટ્રોલીંગ સ્ટાફ પહોંચે તે પહેલા પકડાઇ જવાના ડરથી શિકારીઓ તેમના માલવાહક રીક્ષા (છકડા) રસ્તા પર છોડી અંઘારાનો લાભ લઈ, નાસી છૂટ્યા હતા. આ કામગીરીમાં માલવાહક રીક્ષા (છકડા) માંથી ચોવીસ નંગ મૃત વન્યજીવ ડોમેસાઇલ ક્રેન (કુંજ-કરકરા) ના મૃતદેહ મળી આવ્યા હતા. નાસી છૂટેલા અજાણ્યા શખ્સો વિરુધ્ધ તાલુકા વાઇલ્ડ લાઇફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફીસર એન.પી. બેલાની આગેવાની હેઠળ વન વિભાગના એચ.એમ. પરમાર, કે.એન. ભરવાડ, પી.વી. બેડીયાવદરા, યુ.પી. સાદીયા, એસ.જી. કણજારીયા, વિનોદભાઈ ડાભી, માયાભાઈ માતંગ દ્વારા જરૂરી કાર્યવાહી કરી અને છકડો રીક્ષાને કબ્જે કરી, અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર કચેરી મરીન નેશનલ પાર્ક દ્વારકા દ્વારા અનેક વખત ભૂતકાળમાં કુંજ પક્ષીઓ સહિતના અનેક વિદેશી પક્ષીઓનો શિકાર કરતા ઈસમોને ઝડપી પાડી અને અનેક વખત જાહેરમાં સૂચનાઓ પણ આપી છે. અહીં કુંજ પક્ષીને પકડવા, મારવા, જાળમાં ફસાવવા, અથવા તેવો પ્રયત્ન કરવો તેમજ તેના માંસ નું વેચાણ કરવું કે ખરીદી કરવી એ વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ મુજબ ગુનો બને છે.

error: Content is protected !!