નવનિર્મિત આરોગ્ય કેન્દ્રથી વાસાવડ તથા તેની આસપાસના ગામોને નિ:શુલ્ક આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થશે – મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
અન્ન અને નાગરિક પુરવઠા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં નવનિર્મિત આયુષ્માન કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે, મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં શહેર જેવી સુવિધાઓનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળીની તમામ સુવિધાઓ લોકોને ત્વરિત મળે તે માટે સરકાર અનેક વિકાસકાર્યો હાથ ધરી રહી છે. આ નવનિર્મિત આરોગ્ય કેન્દ્ર થકી વાસાવડ ગામ તથા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોનાં આરોગ્યને લગતી તમામ સારવાર આ કેન્દ્ર ખાતેથી નિ:શુલ્ક મળી રહેશે. આ પ્રસંગે ગોંડલનાં ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજા, જિલ્લા પંચાયત રાજકોટનાં ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાંગર, આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રી લીલાબેન ઠુંમર, તેમજ તાલુકા જિલ્લા પંચાયતનાં અગ્રણીઓ, ગામનાં સરપંચશ્રી તથા સભ્યશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.