રાજકોટ વિભાગના રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવનું મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગમન થયું છે. વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે તેમણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુલક્ષીને ખંભાળિયામાં આગેવાનો સાથે ખાસ બેઠક યોજી હતી. આ મહત્વની બેઠકમાં અહીંના આગેવાનો, સ્થાનિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તેમજ કાર્યકરોની ઉપસ્થિતિમાં આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા વિવિધ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ખાસ કરીને દરિયાઈ સુરક્ષા તેમજ જગત મંદિરની સુરક્ષા પર ભાર આપવામાં આવશે. સાથે સાથે આ અંગે નવા એક્શન પ્લાન પણ અમલમાં મૂકવામાં આવશે. સંવેદનશીલ એવા દ્વારકા જિલ્લાના સરહદી વિસ્તારના લોકોએ વિવિધ મુદ્દે પોલીસને સહયોગ આપવા તેમજ કોઈપણ પ્રકારની દેશદ્રોહી પ્રવૃત્તિ કે આવી કોઈ પણ માહિતી મળે તો તુરંત જ સ્થાનિક પોલીસનો સંપર્ક સાધવા અપીલ કરી હતી. આથી લોકોને પોલીસની ત્વરિત કામગીરી તેમજ સલામતીનો અહેસાસ થશે. આ સાથેની પોલીસની મલ્ટીલેયર કામગીરી, દરિયાઈ તથા તટ વિસ્તારોમાં નેવી, કોસ્ટ ગાર્ડ, એટીએસ, એસ.ઓ.જી., તેમજ સ્થાનિક પોલીસ ની કામગીરી, ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ ઝુંબેશ, દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઓળખવા માટેની ખાસ તાલીમ, વિવિધ ગ્રુપો બનાવીને તાકીદે માહિતી મળે તેવા આયોજન સાથે સલામતી સુરક્ષામાં કંઈ ગફલત ન રહે તે માટે પોલીસ તંત્ર સદૈવ કાર્યરત હોવાની બાબત તેમણે ઉપસ્થિતો સમક્ષ વર્ણવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ સાથેના અધિકારીઓ ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, સહિતના આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.