ગિરનાર ઉપર બિરાજમાન અંબાજી માતાજીના મંદિર ઉપર બ્રહ્મલીન મહંત પૂ. તનસુખગીરી બાપુના પરિવારજનોનો સંપૂર્ણ હક્ક છે તેમજ ભવનાથ મંદિર ઉપરથી પણ સીધી રીતે કબ્જાે છોડી દો નહીતર જૂનાગઢ જીલ્લામાંથી ખટારા ભરીને પ્રજા ઉમટી પડશે અને ભવનાથનો કબ્જાે આંચકી લઈ તનસુખગીરી બાપુના પરિવારજનોને સોંપશે તેવું નિરાલી ખોડીયાર આશ્રમના મહામંડલેશ્વર બજરંગદાસ ઉદાસીન નિર્વાણ બાપુએ ધગધગતું નિવેદન આપ્યું છે. તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદી- વારસને લઇને ઉઠેલા વિવાદમાં સ્થાનિક સંતો ઉપરાંત હવે સોમનાથ જિલ્લાના સાધુએ પણ ઝંપલાવ્યું છે. એક સાધુએ વીડિયો વાઇરલ કર્યો છે. આ વીડિયોમાં તે સાધુ પોતાની ઓળખ ભાલકા તિર્થની બાજુમાં આવેલ નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર બજરંગદાસ ઉદાસીન નિર્વાણ બાપુ તરીકે આપે છે. તેઓ કહે છે કે, મારી ઉંમર ૮૨ વર્ષની છે. તનસુખગીરી બાપુ ગોપાલાનંદ બાપુના પીએ હતા. ગોપાલાનંદ બાપુના ગયા પછી ગિરનારનું પુરૂં થઇ ગયું છે. સાધુ- સમાજે ગિરનારને બદનામ કર્યો છે. હવે જૂના અખાડા વાળા છાનામાના બેસો તો સારી વાત છે.તમારા કાળા ધંધા, બે નંબરના ધંધા બંધ કરો. ભગવા જોઇને લોકો તમને પગે લાગે છે, પરંતુ હિન્દુ સમાજ હવે તમને માને એમ પણ નથી. હરિગીરીએ ભવનાથમાં મિટીંગ બોલાવી હતી ત્યારે ભારતીબાપુના કારણે મે હાજરી આપી હતી. ત્યારે હરિગીરીએ કહ્યું હતું કે, તમે દોઢ લાખ આપો. મેં કહ્યું હતું તમને શેના રૂપિયા આપું ? તમે બે નંબરના ધંધા બંધ કરી દો. અંબાજી મંદિર ઉપર તનસુખગીરી બાપુના પરિવારજનોનો- મોસાળનો હક્ક છે, બિહારીનો હક્ક થતો નથી. જો યોગ્ય નહિ થાય તો જૂનાગઢ જિલ્લામાંથી પ્રજા ઉમટી પડશે, ખટારા ભરીને આવશે અને ભવનાથનો કબ્જો આંચકી લઇ તનસુખગીરીના પરિવારજનોને સોંપશે.આ મારૂં છેલ્લું નિવેદન છે. હું તમને સારી રીતે ઓળખું છું. ભવનાથ, ગિરનાર, શિવરાત્રિમાં લોકો તમને જોવા નહિ માં અંબા, દતાત્રેયના દર્શને આવે છે. તમે ભગવા પહેરીને શું ધંધા કરો છો તે મને ખબર છે. અંબાજી મંદિર સંસારીની જગ્યા છે, તે સન્યાસીએ ન લેવાય.તેનાથી સંસારીનો પરિવાર દુઃખી થાય.હરિગીરીને, અખાડા પરિષદને, જૂના અખાડાને કહેવાનું કે તમારી દુકાનદારી બંધ કરો નહિતર મારે આવવું પડશેે. મારે નરેન્દ્ર મોદીને મળવું પડશે પછી તે ભવનાથનો કબ્જો આંચકી લેશે અને તનસુખગીરી બાપુના પરિવારને સોંપશે. ગિરીશ કોટેચા, કિરીટ પટેલ, મુકતાનંદ બાપુને કહેવાનું કે કલેકટરને કહી આ જગ્યાનો કબ્જો તનસુખગીરી બાપુના પરિવારજનોને સોંપે.