દર્દીનું મનોબળ, પારિવારિક સહયોગ અને હોસ્પિટલનું હસકારાત્મક વલણ કેન્સરની લડાઈ સામે બ્રહ્માસ્ત્ર સમાન
“કેન્સર” શબ્દ સાંભળતા જ દર્દી તેના પરિવારના મનોબળના સેન્સર નબળા પડી જતા હોય છે પરંતુ તેનાથી ડરવા કે રડવાને બદલે તેને (કેન્સરને) હરાવવા માટે આપણે નકારાત્મકતાને દૂર કરી સકારાત્મક સમજ (સમયસર-સારવાર)ની જાગૃતતાથી જીતવા અને જીવતા શીખવું જાેઈએ તેમ રાજકોટ કેન્સર સોસાયટીના મેડીકલ ડાયરેકટર અને મોઢા તથા ગળાના કેન્સરના નિષ્ણાંત ડો.ખ્યાતી વસાવડાએ કેન્સર વિશે માહિતી આપતા જણાવેલ હતું. તેમણે એક કેસની વાત કરી, જેમાં એક ર૨ વર્ષીય યુવાનને જડબાનું કેન્સર હતું અને તેઓ સારવાર અર્થે રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ) ખાતે આવેલ હતા. રાજકોટ કેન્સર સોસાયટીના મેડીકલ ડાયરેકટર અને મોઢા તથા ગળાના કેન્સરના નિષ્ણાંત ડો.ખ્યાતી વસાવડાની દેખરેખ હેઠળ દર્દીની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ દર્દીની તપાસ અને જરૂરી રિપોર્ટસ કરતા માલૂમ થયુ કે દર્દીની સર્જરી કરવી આવશ્યક છે. આ દર્દીની સર્જરી બાદ ચહેરો પહેલા જેવો જળવાઈ રહે તે માટે પગનું હાડકૂ જડબામાં પૂનઃનિમાર્ણ કરવાની ફરજ પડી હતી. આ ઓપરેશનમાં ડો.ખ્યાતી વસાવડા સાથે નિષ્ણાંત અને અનુભવી તબીબોની ટીમ જેમાં પ્લાસ્ટીક સર્જન ડો.ધવલ બારીયા તથા ડો.ભાવિન માધાણીએ જહેમત ઉઠાવેલ હતી. જયારે દર્દીને સર્જરી કરવાથી તેનો ચહેરો પહેલા જેવો ન રહે તેવા સમયે દર્દીને સમાજમાં બહાર નીકળવા સંકોચની લાગણી ઉદભવતી હોય ત્યારે આ પ્રકારની ટેકનોલોજી અને સર્જીકલ સારવારમાં આધૂનિકતા દર્દીના જીવનની ગુણવત્તા સુધારવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જેના માટે રાજકોટ કેન્સર સોસાયટી સતત પ્રયત્નશીલ છે. ડો.ખ્યાતી વસાવડાએ મોઢાના કેન્સર વિશે માહિતી આપતા જણાવેલ હતું કે હોઠ, જીભ, ગાલ, ગલોફા, જડબા, ઉપર-નીચેના પેઢા અને તાળવા માંથી કોઈપણ જગ્યાએ કેન્સર હોય તો તેને મોઢાનું કેન્સર કહેવાય છે. આપણા દેશમાં અને એમાં પણ આપણા ગુજરાતમાં મોઢાના કેન્સરના કેસો સૌથી વધૂ જાેવા મળે છે.છેલ્લા ૧૦ વર્ષમાં નાની ઉમરની વ્યકિતઓમાં આ કેન્સર થતું જાેવા મળ્યું છે જે ચિંતાજનક છે. પહેલા આ કેન્સર ૫૦ થી વધુ ઉમરમાં વ્યક્તિઓમાં જાેવા મળતું હતું પરંતું હવે ૩૦ થી ૪૦ વર્ષની વયના યુવાનોમાં જાેવા મળે છે. જેનું મુખ્ય કારણ તંબાકૂ,બીડી-સીગારેટ વગેરેનું વ્યસન છે. દર્દીને સર્જરી બાદ રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા મળતું હકારાત્મક પ્રોત્સાહન અને ક્રિટીકલ કેરની સુવિધાઓથી દર્દીનું સર્જરી બાદનું પરિણામ ખૂબ જ સારૂ રહે છે. આ ઉપરાંત દર્દીનું મનોબળ અને પારીવારીક સહયોગથી કેન્સર સામેની લડાઈમાં અવશ્ય જીત મેળવી શકાય છે. ડો.ખ્યાતી વસાવડા નમ્ર અપિલ કરે છે કે આવા દર્દીઓની મદદ કરવી અને કેન્સર પ્રત્યે હકારાત્મત જાગૃતતા ફેલાવવી જાેઈએ.રાજકોટ કેન્સર સોસાયટીના આ સંકલ્પ સાથે આપ જાેડાવ અને કેન્સરગ્રસ્ત દર્દીને લાબું અને ગુણવત્તાયુકત જીવન મળે તે માટે ચાલો આપણે સૌ પ્રયત્ન કરીએ.