ગરવા ગિરનાર ખાતે આવેલા સુપ્રસિધ્ધ અંબાજી માતાજીના મંદિરના મહંત મોટાપીર બાવા પૂજય તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ખાલી પડેલા મહંત પદ માટેની ખેંચતાણ, લડાઈ, દાવા પ્રતિ દાવા અને પોલીસ ફરિયાદ સુધી મામલો પહોંચી ગયો હતો અને એક તકે તો દિવસે દિવસે મહંત પદ માટેનો પ્રશ્ન અત્યંત જટીલ બની ગયો હતો. દરમ્યાન જૂનાગઢના લોકપ્રિય અખબાર એવા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક દ્વારા ગત તા.ર૧ નવેમ્બરના રોજ પોતાના અહેવાલમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, બ્રહ્મલીન સંત તનસુખગીરી બાપુની અંતિમ ઈચ્છા એવી હતી કે આ ધર્મસ્થાનોનો વહિવટ સરકાર હસ્તક લે તેવી ઈચ્છા તેઓએ છ માસ પહેલા જ વ્યકત કરી હતી અને જે અંગે આ અખબારે સરકારનું પણ ધ્યાન દોર્યું હતું. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસીયાએ સરકારની સુચના અંતર્ગત અંબાજી માતાજી મંદિર, દત્ત શિખર અને ભીડભંજન મહાદેવ મંદિર હાલ તુરંત સરકાર હસ્તક લઈ અને જૂનાગઢના સીટી મામલતદારને વહિવટદાર તરીકે ચાર્જ સોંપી દેવામાં આવ્યો હોવાની જાહેરાત કરી છે. ત્યારે હાલ પુરતા ગાદીના વિવાદ શાંત પડયો છે. આગામી દિવસોમાં સરકાર આ બાબતે કેવો ફેંસલો કરે છે તે અંગે સંબંધિત તમામની મીટ રહેલી છે.
છેલ્લા પંદરેક દિવસથી જૂનાગઢના મહત્વના ધર્મસ્થાનો ભારે વિવાદનું કેન્દ્ર બન્યા હતા. કારણ એટલું જ હતું કે કોઈપણ રીતે સામ, દામ, દંડ, ભેદ નીતિ સાથે આ મંદિરો ઉપર કબ્જાે જમાવવાની ગળાકાપ સ્પર્ધા શરૂ થઈ હતી અને એક પછી એક ધગધગતા નિવેદનો બહાર આવી રહ્યા હતા. ધર્મસ્થાનો અંગેનો વિવાદ આમ જાેવા જઈએ તો જયારથી શરૂ થયો ત્યારથી આજ સુધી અટકવાનું નામ લેતું નથી. બ્રહ્મલીન સંત તનસુખગીરી બાપુના નિધન બાદ તેમની ધુળલોટ વિધી સમયે જ ભવનાથ મહાદેવ મંદિરના હરીગીરીએ તાત્કાલીક સમાધી શિષ્ય બનાવી અને પ્રેમગીરીની મહંત પદે નિમણુંકની જાહેરાત કરતા ભડકો થયો હતો તો બીજી તરફ પ્રેમગીરીની નિમણુંક સામે તનસુખગીરી બાપુના પરિવારજનોએ જે તે સમયે જ આત્મવિલોપનની ચિમકી આપી હતી. બીજી તરફ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ પણ તનસુખગીરી બાપુના ચોટી શિષ્ય હોવાના નાતે તેઓએ પણ આ બાબતે પ્રતિક્રિયા આપી હતી. મહેશગીરી બાપુનું કહેવું હતું કે, તનસુખગીરી બાપુના ચોટી શિષ્ય હું હોવા છતાં મેં કોઈપણ જાતનો આ જગ્યાના ગાદીપતિ થવા બાબતનો મારો દાવો કર્યો નથી. તનસુખગીરી બાપુના પરિવારની સાથે જ છું અને તેઓ જે નિર્ણય લે તે મને પણ મંજુર છે તેવું અગાઉ પણ કહ્યું હતું પરંતુ ત્યારબાદ જે કંઈ ઘટનાક્રમ બન્યો અને હરીગીરીએ જે રીતે પ્રેમગીરીની નિમણુંક કરી તેને લઈને મહંત પદનો મુદ્દો ભારે ગરમાગરમ બન્યો હતો અને આ સાથે જ બીજું એક ષડયંત્ર ખુલ્લું પામ્યું હતું કે જેમાં ભવનાથ મહાદેવ મંદિરની નિમણુંક ગેરકાયદેસર થઈ અને નાણાંનો મોટો વહિવટ થયો હોવાનો આક્ષેપ થયેલો હતો. દરમ્યાન ઉકડતા ચરૂ જેવી આ સ્થિતિ વચ્ચે એક તકે તો સરકારને પણ આ ધર્મસ્થાનો ઉપર કબ્જાે જમાવવાના થઈ રહેલા પેતરા અંગે વિસ્તૃત અહેવાલો મળ્યા બાદ તેઓ પણ ચિંતામાં મુકાયા હતા અને શું નિર્ણય લેવો ? આ સાથે જ જૂનાગઢનું નિસપક્ષ, તટસ્થ અને સાચી વાત કહેવામાં ક્યારેય પણ કોઈના બાપની શરમ ન રાખનાર સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક દ્વારા ર૧ નવેમ્બરના રોજ એક વિસ્તૃત અહેવાલ મુકવામાં આવ્યો હતો અને છ માસ પહેલા તનસુખગીરી બાપુએ તેમની હયાતીમાં એવી ઈચ્છા વ્યકત કરી હતી કે અંબાજી મંદિર સહિતના ધર્મસ્થાનોનો વહિવટ હવે સરકાર સંભાળે અને યોગ્ય વિકાસની પ્રક્રિયા હાથ ધરે તેવી ઈચ્છા વ્યકત કરી હતી અને આ ઈચ્છા અંગે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકે પણ સરકારશ્રીનું ધ્યાન ખેંચ્યું હતું અને જેની સરકારે પણ ગંભીર નોંધ લીધી છે અને સરકારના આદેશ અનુસાર ગઈકાલે જીલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસીયાએ એક પત્રકાર પરિષદ યોજી અને અંબાજી મંદિર, દત શિખર અને ભીડભંજન મહાદેવના વહિવટદાર તરીકે સીટી મામલતદારની નિમણુંક કરતી જાહેરાત કરતા હાલ આ વિવાદ શાંત પડયો છે.