ગંભીર હાલતમાં રહેલા રીક્ષા ચાલકને હોસ્પિટલે ખસેડાયો
ડોળિયાથી ચોટીલા તરફ જતા એક રિક્ષા ચાલક અને ટ્રક વચ્ચે શનિવારે સાંજે ધડાકાભેર અકસ્માત સર્જાતા રિક્ષા ચાલક સ્થળ ઉપર બેભાન થઈ ગયો હતો. આ અકસ્માત સમયે સ્થાનિક આર.ટી.ઓ. ઓફિસના ઈન્સ્પેકટર એ.એ. પરમાર અને એસ.બી. વઘાસિયા રોડ ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા. અકસ્માતનો આ બનાવ ખૂબ જ ગંભીર હોય, અને ડ્રાયવરની બેભાન અવસ્થામાં હોવાથી એમ્બ્યુલન્સની રાહ જાેયા વગર બન્ને અધિકારીઓએ પળભરનો પણ વિચાર્યા વગર ડ્રાઇવર રાકેશભાઈની મદદ લઇને પોતાના સરકારી વાહનમાં ૧૨ કિલોમીટર દૂર આવેલી ચોટીલાની સરકારી હોસ્પિટલમાં આ બેભાન વ્યક્તિને તાકીદે આઠથી દસ મિનિટના સમયગાળામાં હોસ્પિટલે પહોંચાડ્યો હતો. અહીં ફરજ ઉપરના ડોક્ટર દ્વારા આપવામાં આવેલી તાકીદની સારવારથી રિક્ષા ચાલકનો જીવ બચી ગયો હતો.