રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓની સ્વાસ્થ્ય સુખાકારી માટે આકસ્મિક સંજાેગોમાં લોકોને યોગ્ય સમયે અદ્યતન ટેકનોલોજી અને સુવિધા ધરાવતી સુયોગ્ય આરોગ્યલક્ષી સેવા : જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી : આજુબાજુ વિસ્તારના ૧૦થી વધુ ગામોના લોકોને મળશે આ એમ્બ્યુલન્સનો લાભ
રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દર્દીઓની સ્વાસ્થ્ય સુખાકારી માટે સતત તત્પર રહે છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આકસ્મિક સંજાેગોમાં સગર્ભા માતા અને નવજાત શિશુને ત્વરિત સારવાર સાથે હોસ્પિટલ ખસેડવામાં સરળતા રહે, તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા અદ્યતન ટેકનોલોજી અને સુવિધા ધરાવતી આઇ.સી.યુ. ઓન વ્હીલ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેનો લોકાર્પણ કાર્યક્રમ પરાપીપળીયા ગામ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યુ હતું કે, લોકોને આરોગ્યલક્ષી સેવા સરળતાથી પહોંચી શકે, તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવાનો હેતુ સાકાર થયો છે, જેના માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના સભ્ય સુમિતાબેન રાજેષભાઈ ચાવડા અને તાલુકા પંચાયતના સભ્ય લાભુબેન વિક્રમભાઈ હુંબલના પ્રયત્નોથી મળેલી આ એમ્બ્યુલન્સનો લાભ બેડી, ગવરીદડ, આણંદપર, બાઘી, હડાળા, કાગદડી, ખંભાળા, પડધરી તાલુકાના ન્યારા, ઈશ્વરીયા, સણોસરા, ખોરાણા સહિતના ગામોના લોકોને મળી શકશે. આ તકે ગ્રામજનોએ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદઓ પરષોતમભાઈ રૂપાલા, રામભાઇ મોકરીયા અને કેશરિદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, અગ્રણીઓ ધવલભાઈ દવે અને અલ્પેશભાઈ ઢોલરીયા સહીત ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, મુખ્ય જિલ્લા આરોગ્ય ડો. પી.કે. સિંઘ, જિલ્લા પંચાયતના સભ્ય સુમિતાબેન ચાવડા, તાલુકા પંચાયતના સભ્ય લાભુબેન હુંબલ, ગામના પ્રથમ નાગરિક વિભાબેન હુંબલ તથા જિલ્લાકક્ષાના આગેવાનો અને ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતા.