જૂનાગઢ તાલુકાના મેંદરડા વિકાસ અધિકારીને ફરજમાં રૂકાવટ કરી ગાલ ઉપર છપ્પડ મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ બનવા પામતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવના અનુસંધાને આરોપી કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગેની પોલીસે આપેલી વિગત અનુસાર ફરિયાદી તુષારભાઈ વિઠ્ઠલભાઈ રાદડીયા(ઉ.વ.૩ર) તાલુકા વિકાસ અધિકારી નોકરી તાલુકા પંચાયત કચેરી મેંદરડા વાળાએ આ કામના આરોપી દિપકભાઈ ગોવિંદભાઈ મકવાણા ધંધો કોન્ટ્રાક્ટર રહે.મેંદરડા વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામે તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા મયુરભાઈ મકવાણાને બાંધકામ શાખાના વધારાના ચાર્જમાંથી છુટા કરી આ કામના ફરિયાદીએ કાયદેસરનું કામ કરેલ હોય તથા તાલુકા પંચાયતની ન્યાય સમીતીની ચેમ્બર તથા પ્રમુખ ચેમ્બરમાં તાલુકા પંચાયતના સભ્યોની ગેરહાજરીમાં બીજા માણસોને બેસવાની ના પાડી તે બાબતે પણ ફરિયાદીએ પોતાની કાયદેસરની ફરજ બજાવેલ હોય પરંતુ આ કામના ફરિયાદી તાબે ન થતા હોય અને નિયમ મુજબ પોતાની ફરજ બજાવતા હોય જેથી તેનો ખાર રાખી આ કામના આરોપી દિપકભાઈ મકવાણા રહે.મેંદરડા વાળા આ કામના ફરિયાદીની ઓફિસમાં પરવાનગી વગર આવી ફરિયાદીના ટેબલ ઉપર હાથ પછાડી ફરિયાદીને ભુંડી ગાળો કાઢી ડાબા ગાલ ઉપર થપ્પડ મારી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા મેંદરડા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ મેંદરડાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન. સોનારા ચલાવી રહ્યા છે.