ખંભાળિયા દ્વારકા માર્ગ ઉપર ગત તારીખ ૧૮ એપ્રિલ ૨૦૧૯ ના રોજ સવારના સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી અને રોયલ્ટી ઈન્સ્પેક્ટર બી.જે. ડોડીયા, માઈન્સ સુપરવાઇઝર હર્ષદભાઈ પ્રજાપતિ તથા સર્વેયર આર.બી. ગરસણીયા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ખનીજ ચોરી અંગેની પેટ્રોલિંગ કામગીરી કરવામાં આવી હતી. તે દરમ્યાન આ માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા જી.જે. ૧૦ યુ. ૩૮૬૨ અને જી.જે. ૧૦ યુ. ૬૭૧૯ અને જી.જે. ૧૦ યુ. ૭૯૭૬ નંબરના જુદા જુદા ત્રણ ટ્રકોને અટકાવી ચેકિંગ કરતા આ ટ્રકમાંથી બિલ્ડીંગ લાઈમ સ્ટોનનો જથ્થો મળી આવ્યો હતો. આ પ્રકરણમાં અનઅધિકૃત રીતે રોયલ્ટી કે આધાર પુરાવા વગર બિલ્ડીંગ લાઈમ સ્ટોન (દંગડા પથ્થર)ની ૧૦- ૧૦ ટન જેટલી ખનીજ ચોરી ખુલતા આ પ્રકરણમાં કુલ રૂપિયા ૭.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કરી, આ અંગે ભૂસ્તરશાસ્ત્રી હર્ષદ જી. પ્રજાપતિ દ્વારા અહીંના પોલીસ મથકમાં ઢેબર ગામના રહીશ આરોપી યુસુફ અબ્દુલ હિંગોરા, હારુન મુસા હિંગોરા અને આમદ અલ્લારખા હિંગોરા સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને પોલીસે આઈ.પી.સી. તથા માઈન્સ એન્ડ મિનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ વિગેરે મુજબ ગુનો નોંધી, લાગતા વળગતા સાહેદોના નિવેદનો લઇને આ પ્રકરણ સંદર્ભે અહીંની કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરવામાં આવ્યું હતું. આ અંગેનો કેસ ખંભાળિયાના નામદાર એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા જજ શ્રી એસ.જી. મનસૂરી દ્વારા દસ સાક્ષીઓની તપાસ તેમજ ફરિયાદીને જુબાની સાથે વિવિધ દસ્તાવેજી પુરાવાઓ અને રોજકામને ધ્યાને લઈ અને જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી લંબાણપૂર્વકની દલીલોને ધ્યાને લઈને નામદાર અદાલતે તમામ ત્રણ આરોપીઓને ત્રણ-ત્રણ વર્ષની સખત કેદની સજા તેમજ પ્રત્યેક આરોપીને રૂપિયા ૧૦-૧૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.