યાત્રાધામ દ્વારકા નજીક બરડીયા ગામ પાસે આવેલ સાંઈધામ મંદિરમાં ગઈકાલે રર વર્ષ પૂર્ણ થતા ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સાંઈધામ સમિતિના પ્રમુખ પ્રદીપભાઈ ઉપાધ્યાય સહ પરિવાર તેમજ ટ્રસ્ટીઓ દ્વારા સાઈબાબાનું પૂજન, અર્ચન કરવામાં આવ્યું હતું. સાંજે સુંદર શણગાર સાથે અન્નકૂટ મનોરથના દર્શન કરાવવામાં આવ્યા જેના દર્શનનો લાભ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ પ્રાપ્ત કર્યો હતો. આ પ્રસંગે દ્વારકા ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ પ્રમુખ તેમજ સદસ્યો, દ્વારકા વકીલ મંડળ સદસ્યો, સામાજિક સંગઠન કાર્યકરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અન્નકૂટ દર્શન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ પૂર્વ પ્રમુખ સ્વ. વિનુભાઈ ઉપાધ્યાય દ્વારા ૨૦૦૨માં સાંઈધામ સમિતિની રચના કરી સાંઈ બાબામંદિરની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં સ્વર્ગસ્થ પુત્ર સ્વ. સંજયભાઈ ઉપાધ્યાય તથા વિનુભાઈ ઉપાધ્યાય પરિવારનું વિશેષ યોગદાન રહ્યું છે.