ત્રણ બુટલેગર અને સપ્લાયરની શોધખોળ
ભાણવડ તાલુકાના ટિંબડી ગામે ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ચિરાગસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ કારેણા અને વેજાણંદભાઈ બેલા મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડથી આશરે 15 કિલોમીટર દૂર ગુંદા ગામની સીમ વિસ્તારમાં રહેતા ગલા રબારી નામના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં દારૂ છૂપાવવામાં આવ્યો હોવાની માહિતી પરથી પોલીસ સ્ટાફે આ સ્થળે દરોડો પાડ્યો હતો.
આ રહેણાંક મકાનમાં રાખવામાં આવેલા નીરણ (જુવાર)ના ઢગલાની નીચે સંતાડીને રાખવામાં આવેલો દેશી દારૂનો 400 લીટર જથ્થો પોલીસને સાંપળ્યો હતો. એટલું જ નહીં, અહીં રહેલી જી.જે. 09 બી.સી. 3663 નંબરની એક સ્વીફ્ટ મોટરકારમાં ચેકિંગ કરતા આ કારમાં પણ વધુ 400 લીટર દેશી દારૂ મળ્યો હતો. આમ, આ દરોડાની કાર્યવાહીમાં પોલીસને રૂપિયા એક લાખ 60 હજારની કિંમતનો દારૂનો જથ્થો મળતા પોલીસે રૂ. 3 લાખની કિંમતની મોટરકાર અને રૂ. 10,000 ની કિંમતના એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4.70 લાખના મુદ્દામાલ સાથે આરોપી ટિંબડી ગામના રબારી કેસુ ઉર્ફે કિશન કમાભાઈ મોરી (ઉ.વ. 19) ની અટકાયત કરી હતી.
આ પ્રકરણમાં પાછતર ગામના વિનુ રબારી અને ગુંદા ગામની સીમા રહેતા ગલા રબારી નામના બે શખ્સોની સંડોવણી પણ ખુલવા પામી છે. ઉપરાંત દારૂનો આ જથ્થો ધામણી નેશ વિસ્તારમાં રહેતા ભીમા પરબત રબારીએ આપ્યો હોવાનું પણ વધુમાં ખુલવા પામ્યું છે. જે સંદર્ભે ભાણવડ પોલીસે કેશુ ઉર્ફે કિશન કમા મોરીની અટકાયત કરી, અન્ય ત્રણ શખ્સોને ફરાર જાહેર કર્યા છે.
આ સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુ સાથે સ્ટાફના ચિરાગસિંહ જાડેજા, ગીરીશભાઈ ગોજીયા, કેશુભાઈ ભાટીયા, શક્તિસિંહ ઝાલા, નિલેશભાઈ કારેણા, મયુરભાઈ ગોજીયા, મયુરસિંહ જાડેજા, વેજાણંદભાઈ બેલા અને મીનાબેન નંદાણીયા દ્વારા કરવામાં આવી હતી.