બેટ દ્વારકામાં ઓપરેશન ડિમોલિશનના છઠ્ઠા દિવસે રૂ. 6 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવાઈ

0
63 બાંધકામમાં 13,490 ચોરસ મીટરના દબાણ દૂર થયા : છ દિવસમાં રૂપિયા 1.14 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી થઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં ગત તારીખ 11 મી થી શરૂ થયેલું ઓપરેશન ડિમોલિશન આજરોજ શુક્રવારે સાતમા દિવસમાં પ્રવેશ્યું છે. છેલ્લા સતત એકાદ સપ્તાહથી જે.સી.બી., હિટાચી મશીનોને ધણધણાટીએ બેટ દ્વારકા અને ઓખા વિસ્તારને ધમધમાવ્યું છે. જિલ્લા પ્રશાસન દ્વારા છ દિવસમાં કુલ રૂપિયા 59.11 કરોડની કિંમતની 1.14 લાખ ચોરસ મીટર જમીન પરના દબાણોને હટાવવામાં આવ્યા છે.
        પશ્ચિમી વિસ્તારના છેવાડાના એવા બેટ દ્વારકા વિસ્તારમાં વધતા જતા જમીન અતિક્રમણના મુદ્દે દ્વારકાના પ્રાંત અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડાની ટીમો દ્વારા સરવે અને નોટિસોની ધોરણસરની કાર્યવાહી બાદ શનિવારથી ઓપરેશન ડિમોલિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગઈકાલે ગુરુવારે છઠ્ઠા દિવસે પણ અવિરત રીતે બેટ દ્વારકામાં દબાણ હટાવની કામગીરી કરવામાં આવી હતી. બેટના તુર્કીસાની સામે આવેલા ભીમસાર વિસ્તારમાં ગુરુવારે તંત્રની આ કામગીરી જોવા મળી હતી. બપોરથી સાંજ સુધીમાં અહીં રહેલા 62 રહેણાંક અને 1 અન્ય મળીને કુલ 63 નાના-મોટા દબાણો ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં તંત્ર દ્વારા રૂ. 6.07 કરોડની કિંમતની 13,490 ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણ હટાવવામાં આવ્યા છે.
      આમ, ગત તારીખ 11 થી તારીખ 16 સુધીમાં 376 રહેણાંક, 13 અન્ય તેમજ 9 કોમર્શિયલ મળી, કુલ 398 ગેરકાયદેસર બાંધકામને દૂર કરી, તંત્ર દ્વારા કુલ 1,14,132 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. જેની કુલ બજાર કિંમત રૂપિયા 59.11 કરોડ ગણવામાં આવી છે.
       ભારે ચર્ચાસ્પદ બની ગયેલા આ દબાણને દૂર કરવાની કામગીરી એકંદરે શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી.
– બેટ દ્વારકામાં ઓપરેશન અંતિમ ચરણમાં –
      ગત તારીખ 11 જાન્યુઆરીથી ઓખા મંડળ બેટ દ્વારકામાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ આજે અંતિમ ચરણમાં પહોંચી છે. ત્યારે મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગયા હોવાની વાત વચ્ચે દબાણ દૂર કરવા સંદર્ભેની નોટિસ પ્રક્રિયામાં બાકી રહેલા દબાણ તોડી પાડી, આ કામગીરી પૂર્ણ થશે તેમ પણ જાણવા મળ્યું છે.
      બેટ દ્વારકામાં વર્ષ 2022 ના ઓપરેશન ડિમોલિશનના પ્રથમ રાઉન્ડમાં આશરે સાડા ત્રણ લાખ ફૂટ જગ્યા પરના દબાણો દૂર કરાયા બાદ તાજેતરમાં શરૂ થયેલા ઓપરેશનના બીજા રાઉન્ડમાં રૂપિયા 60 કરોડ જેટલી કિંમતની સરકારી જગ્યા પરના દબાણ હટાવવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જિલ્લાના અન્ય સ્થળોએ પણ દબાણ હટાવવાની કામગીરી થશે તેવી વહેતી થયેલી વાતોએ દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી પ્રસરાવી છે. હાલની પરિસ્થિતિમાં ખાસ કરીને દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ઓપરેશન ડિમોલિશનની શક્યતા નકારી શકાતી નથી.
error: Content is protected !!