કેશોદ શહેરમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી પંચોતેર બેડની અધતન સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ધારાસભ્ય દેવાભાઈ માલમના અથાગ પ્રયત્નોથી મંજુર કરી બનાવવામાં આવી છે. લોકાર્પણ કરવામાં આવ્યાં બાદ ચારેક વર્ષનો સમય વિતી જવા છતાં ખાલી પડેલી જગ્યાએ નિષ્ણાત તબીબોની નિમણૂંક કરવામાં ન આવતાં સુવિધાઓ પુરતાં પ્રમાણમાં મળતી ન હોવાથી આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરો દ્વારા લેખિતમાં નાયબ કલેકટરને મુખ્યમંત્રીને ઉદેશીને લખેલ આવેદનપત્ર આપી સત્વરે ખાલી જગ્યાઓ ઉપર નિમણૂંક આપી સુવિધાઓ વધારવા રજુઆત કરી હતી અને ગંભીરતાથી ઉકેલ લાવવામાં આવશે નહિં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે. કેશોદ શહેર પાંચ તાલુકામાં મુખ્ય મથક ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો હોય આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે ત્યારે તાત્કાલિક અસરથી કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ એમડી. એમએસ. ડોક્ટર ન હોવાથી પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ રીફર કરવામાં આવે છે અથવા એમ્બ્યુલન્સ દ્વારા અકસ્માતમાં મળતી સહાયમાં શુભેચ્છા ભેટ મેળવવા ખાનગી હોસ્પિટલમાં જ સીધાં લઈ જવામાં આવે છે. સતાધારી પક્ષના પૂર્વ શહેર પ્રમુખ પ્રવિણભાઈ ભાલારા દ્વારા એકાદ વર્ષ પહેલાં બ્લડ બેંક અને સર્જન ડોક્ટર તેમજ મૃતદેહ સાચવવા કોલ્ડ સ્ટોરેજ રૂમની માંગણી કરી હતી. કેશોદ આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરો દ્વારા કરવામાં આવેલ રજુઆત ને જનસમર્થન પણ મળી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા ગંભીરતાથી વિચાર કરીને ખાલી જગ્યાઓ નિમણૂંક કરવામાં આવશે કે જનપ્રતિનિધિઓ એ આંદોલનના મંડાણ કરવા પડશે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે.