૩.૬૧ કરોડની સરકારી જમીન ખુલ્લી થઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણ ઉપર ચલાવવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનને શુક્રવારે એક સપ્તાહ પૂર્ણ થયું છે. ત્યારે ગઈકાલે સાતમા દિવસે વધુ આઠ સ્થળ ઉપર દબાણ હટાવ ઝુંબેશની કામગીરી કરવામાં આવી હતી. સુત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા હનુમાન દાંડી રોડ પર અનધિકૃત રીતે કરવામાં આવેલા દબાણ પર શુક્રવારે ડિમોલિશન અંગેની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કુલ ૭૬૧૪ ચોરસ મીટરની જગ્યા પર વણાંકવામાં આવેલા ૮ રહેણાંક મકાનોને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. તેની સરકારી ચોપડે કિંમત રૂા.૩.૬૧ કરોડ જાહેર કરવામાં આવી છે. સાત દિવસ સુધીમાં કુલ રૂપિયા ૬૨.૭૩ કરોડની કિંમતની ૧.૨૨ લાખ ચોરસ મીટર જમીન ઉપરના કુલ ૪૦૬ દબાણોને હટાવવામાં આવ્યા છે. બેટ દ્વારકામાં રેકોર્ડ રૂપ આ ઝુંબેશની ગઈકાલે મહદ અંશે પૂર્ણાહુતિ થઈ ચૂકી હોવાનું કહેવાય છે. આજે આઠમા દિવસે પણ જરૂરી કાર્યવાહી બાદ આગળની કામગીરી કરાશે તેમ જણાવાયું છે. ગત તારીખ ૧૧ જાન્યુઆરીથી ઓખા મંડળમાં શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનમાં પ્રાંત અધિકારી આઈ.એ.એસ. અમોલ આવટે તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સીધી દેખરેખ હેઠળ ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ તેમજ સ્થાનિક મામલતદાર અને તેમની ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલા મેગા ઓપરેશનમાં કોઈપણ જાતના અંતરાય વગર કામગીરી કરવામાં આવી છે. જેમાં સાત દિવસમાં ૩૮૪ રહેણાંક, ૧૩ અન્ય અને ૯ કોમર્શિયલ સહિત કુલ ૪૦૬ દબાણોને હટાવવામાં આવ્યા છે. જેમાં કુલ સવા લાખ ચોરસ મીટર જેટલી જમીન ઉપર રૂપિયા ૬૩ કરોડ જેટલી કિંમતનું જમીન દબાણ હટાવાયું છે.
જિલ્લા પોલીસ વડાનો અનુભવ સફળ રહ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા આજથી આશરે સવા બે વર્ષ પૂર્વે બેટ દ્વારકામાં તેમજ હર્ષદ, ભોગાત વિસ્તારમાં જુદા જુદા બે રાઉન્ડમાં કરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનની સમગ્ર રાજ્યમાં નોંધ લેવામાં આવી હતી. ત્યારે અહીંની કાર્યવાહીમાં કોઈપણ વિવાદ થયો ન હતો અને દરિયાકાંઠા વિસ્તારની લાખો ચોરસ ફૂટ જગ્યા પરનું અતિક્રમણ સફળતાપૂર્વક હટાવવામાં આવ્યું હતું. આ જ પ્રકારની થીયરી તાજેતરના બીજા રાઉન્ડમાં અપનાવવામાં આવી છે. જેમાં ઓપરેશન સ્થળે કડક પોલીસ બંદોબસ્ત અને યાત્રાળુઓની અવર-જવર પર પ્રતિબંધ તેમજ સ્થાનિક લોકોને ઘરમાં જ રહેવાનું અને મંદિરના દર્શન આમ જનતા માટે બંધ રાખવા સહિતના પગલાંઓ લેવામાં આવતા એકંદરે આ બાબતને સફળતા મળી છે. જેમાં જિલ્લા પોલીસ વડા તેમજ સ્ટાફનું નક્કર આયોજન આવકારદાયક બન્યું હતું. દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા પણ ધોરણસરની નોટિસ પ્રક્રિયા તેમજ જમીનના સરવે સહિતની પૂર્વયોજિત આયોજનબદ્ધ કામગીરીને પણ નોંધપાત્ર સફળતા મળી છે. બેટ દ્વારકા, હનુમાન દાંડી મંદિરને ચાર દિવસ પછી યાત્રિકો માટે રાબેતા મુજબ ખોલી દેવામાં આવ્યા છે. હવે આગામી દિવસોમાં ઓખા મંડળના અન્ય વિસ્તારોમાં પણ દબાણ દૂર કરવાની કામગીરી થનાર હોવાનું કહેવાય છે. ત્યારે આ એક સપ્તાહની કામગીરી દરમ્યાન બેટ દ્વારકા વિસ્તારમાં સરકારી, ગૌચરની જમીન ઉપરના દબાણો દૂર કરાવી અને ઠેર ઠેર રહેલા કાટમાળના વિડિયો પણ વાયરલ થયા છે.