ગીર સોમનાથના બ્લુ ફ્લેગશીપ સમાન અહેમદપુર માંડવી ખાતે “બીચ ફેસ્ટીવલ”નું આયોજન

0
અહેમદપુર માંડવીના બીચ ખાતે તા.24 જાન્યુ.થી ત્રિદોવ બીચ ફેસ્ટીવલ યોજાશે : બીચ ઉપર દરરોજ રાત્રીના લાઈવ કોન્સર્ટ, લેઝર શો તો દિવસ દરમ્યાન વોટસ્પોર્ટ્સ, ફૂડ સ્ટોલનું આયોજન કરાયુ
ગોવા અને શિવરાજપુર બીચ જેવી દરીયાની મજા હવે ગીર સોમનાથ આવતા પ્રવાસીઓ પણ માણી શકશે. જેના માટે બ્લુ ફ્લેગશીપ સમાન જીલ્લાના અહેમદપુર માંડવી બીચ ખાતે ત્રિદિવસીય બીચ ફેસ્ટીવલનું આયોજન જીલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે. આ ફેસ્ટીવલ દરમ્યાન બીચ ખાતે લાઈવ કોન્સર્ટ, લેઝર શો, આતશબાજી જેવા રંગારંગ કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયેલ હોય સ્થાનીક લોકો અને પ્રવાસીઓએ બીચ ફેસ્ટીવલનો લ્હાવો લેવા તંત્રએ અપીલ કરી છે.
આ અંગે માહિતી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવેલ કે, ગોવાના બીચ જેવો જલસો ગીર સોમનાથ આવતા પ્રવાસીઓ ઉઠાવી શકે તે માટે આગામી તા.24 જાન્યુઆરીથી ત્રણ દિવસ સુધી જીલ્લાના અહેમદપુર માંડવીના દરીયા કિનારે બીચ ફેસ્ટીવલનું આયોજન કરાયેલ છે. રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા અહેમદપુર માંડવી બીચને પ્રવાસનના નવાં સ્થળ તરીકે વિકસાવવાના ભાગરૂપે તા.24 થી ત્રણ દિવસ બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે. જેમાં લાઇવ કોન્સર્ટ, લેઝર શો, પ્રવાસીઓ માણી શકે તે માટે ફેસ્ટિવલ પૂર્વે તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દીવના ઘોઘલાને અડીને આવેલો ગુજરાતના ગીર સોમનાથનો અહેમદપુર માંડવી બીચ દેશ અને દુનિયાના પ્રવાસીઓમાં આકર્ષનું કેન્દ્ર બનવા જઇ રહ્યો છે. આ બીચની મુલાકાત કર્યા બાદ જીલ્લા વહીવટી તંત્રએ બીચને ડેવલપ કરવાનું બીડું ઝડપ્યું છે. જેથી રાજ્યના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા.24,25 અને 26ના રંગારંગ બીચ ફેસ્ટીવલ ઉજવણી કરવાનું નક્કી કરી તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
વધુમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ અહેમદપુર માંડવી બીચ હાલ પ્રવાસીઓમાં સૌથી ઓછી ઓળખ ધરાવે છે પરંતુ અહીં પ્રવાસન ઉદ્યોગ અને દરિયાઇ પર્યટનને લઇ વિશાળ તકો ઉપલબ્ધ હોવાથી તંત્ર દ્વારા ત્રિદિવસીય ભવ્ય બીચ ફેસ્ટિવલ યોજાવાનો છે. જેમાં ખારવા સમાજ અને તેની સંસ્કૃતિ ઉજાગર થાય તે માટે પ્રથમ વખત બોટમાં સાંસ્કૃતિક ટેબ્લોની પરેડ, લાઇવ કોન્સર્ટ, લેઝર શો સહિત વિવિધ એક્ટિવિટી તથા ફૂડઝોનની મજા પ્રવાસીઓને માણી શકશે. અહેમદપુર માંડવી બીચ પ્રવાસીઓમાં નવી ઓળખ ઉભી કરે તે માટે અહીં ખાસ સૂર્યોદય જોવાના પોઇન્ટ છે. આ બીચ પર બહુ મોટી સંખ્યામાં ડોલ્ફિન માછલી પણ જોવા મળે છે. દરિયાઇ આધારિત વોટર સ્પોર્ટસ એક્ટિવિટીની અહીં સારી શક્યતા પણ જણાય છે. ત્રણ દિવસ યોજાનારા બીચ ફેસ્ટિવલને કારણે ગીરનો અહેમદપુર માંડવી બીચ નવા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવશે તથા પ્રવાસન ગતિવિધિને પણ વેગ મળશે.
ત્રણ દિવસ દરમ્યાન અનેક કાર્યક્રમો યોજાશે…
બીચ ફેસ્ટિવલમાં મુખ્ય આકર્ષણ કેન્દ્ર તરીકે પ્રસિધ્ધ બોલીવુડ ગાયક કલાકારો દ્રારા લાઈવ કોન્સર્ટ, બોટ ટેબ્લો, બીચ ગેમ્સ, કેમલ રાઈડ, હોર્સ રાઈડ, ડોલ્ફીન વોચ, પરંપરાગત વાનગી આધારીત ફુડ સ્ટોલ, સાંસ્કૃતિક પરેડ કાર્યક્રમ તથા કાર્યક્રમના સમાપન દિવસે ભવ્ય આતશબાજી કાર્યક્રમ યોજાનાર છે. જેમાં તા.24 ના રોજ સાંજે 7 થી 10 ઉદઘાટન તથા પ્રસિધ્ધ બોલીવુડ સીંગર અનુપ શંકર દ્વારા લાઈવ કોન્સર્ટ, તા.25 ના સાંજના 7 થી 9 પ્રસિધ્ધ બોલીવુડ સીંગર્સ પવનદીપ દ્વારા લાઈવ કોન્સર્ટ અને બાદમાં ટેબ્લો પ્રદર્શન, તા.26 ના સાંજે 6 થી 7 સાંસ્કૃતિક પરેડ, સાંજે 7 થી 9:30 પ્રસિધ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા લોક સાંસ્કૃતિક કાર્યક્રમ, બાદમાં રાત્રીના 10 વાગ્યે આતશબાજીનો રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન થશે.
error: Content is protected !!