દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની કલા મહાકુંભમાં વિદ્યાર્થીનીઓ વિજેતા બની

0

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં દર વર્ષે સમગ્ર રાજ્યવ્યાપી સાંસ્કૃતિક કલાઓની સ્પર્ધાઓના સમુહ કાર્યક્રમ તરીકે ‘કલા મહાકુંભ’નું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કલા મહાકુંભ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરની પી.એચ. વીરજીયાણી કન્યાશાળા નં. ૩ ની વિદ્યાર્થીની બહેનોએ પોતાનાં ઉત્કૃષ્ટ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. ભાણવડ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં વ્યક્તિગત ઈવેન્ટ તથા રિધમિક ઈવેન્ટમાં શાળાની વિદ્યાર્થીની ક્રિષ્નાબા જયદિપસિંહ જાડેજાએ પ્રથમ ક્રમ તેમજ રિધમિક ઈવેન્ટમાં વંદના લાખાભાઈ વાઢેરે દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. જિલ્લા કક્ષાના કલા મહાકુંભની કથ્થક સ્પર્ધામાં પ્રથમ ક્રમ ભાર્ગવી નીલેશભાઈ નકુમ તથા તૃતીય ક્રમ નંદની દિનેશભાઈ મકવાણાએ પ્રાપ્ત કર્યો હતો. ખંભાળિયા ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની એથલેટિક્સ અંડર ૧૭ ગોળા ફેંક સ્પર્ધામાં મમતા બિશનભાઈ વઢીયારાએ તૃતીય ક્રમ મેળવ્યો હતો. કલા મહાકુંભની તાલુકા કક્ષાની ભરત નાટ્યમ સ્પર્ધામાં અરફીના ફારૂકભાઈ ખીરાએ દ્વિતીય ક્રમ તથા સંધ્યા હિતેશભાઈ લાડવાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીનીઓને શાળાનાં ખેલ સહાયક શિક્ષિકા જયશ્રીબેન ચાવડાએ ઉત્તમ માર્ગદર્શન તથા પ્રોત્સાહન આપ્યું હતું. વિદ્યાર્થીનીઓ ભવિષ્યમાં આવનારી સ્પર્ધાઓમાં રાજ્ય તથા નેશનલ કક્ષાએ પોતાના સર્વશ્રેષ્ઠ કૌશલ્યનું પ્રદર્શન કરી, શાળા પરિવાર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નામ ઉજ્જવળ કરે તેવી શુભકામનાઓ શાળાના આચાર્ય અતુલભાઈ રાવલે વિદ્યાર્થીનીઓને આપી હતી.

error: Content is protected !!