ચાલુ વર્ષે સોનાનો ભાવ રૂા. ૧.૪પ લાખ થઈ જશે : આગઝરતી તેજી યથાવત

ચાલુ વર્ષે સોનાનો ભાવ રૂા. ૧.૪પ લાખ થઈ જશે : આગઝરતી તેજી યથાવત
Mint

મુંબઈ તા.૭
સોના-ચાંદીમાં તેજીનો દોર જારી રહ્યો છે. આજે વધુ ઉછાળા સાથે ભાવો નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. આ કિંમતી ધાતુઓમાં રોકાણ કરનારા ઈન્વેસ્ટરોને વ્હેલી દિવાળી આવી ગયાનો ઘાટ  રહ્યો છે.
રાજકોટમાં સોનાનો ભાવ સવા લાખની નજીક પહોંચી ગયો હતો જયારે ચાંદી ૧.૫૫ લાખની નજીક પહોંચી છે. વિશ્વબજારમાં સોનુ ૩૯૭૨ ડોલર તથા ચાંદી ૪૮.૫૩ ડોલર હતી. મહત્વની વાત એ છે કે ઓલ ઈન્ડીયા જવેલર્સ એસોસીએશન દ્વારા દિલ્હીમાં સોનાનો ભાવ ૧૩૦૩૦૦ તથા ચાંદીનો ભાવ ૧૫૭૪૦૦ કવોટ કરવામાં આવ્યો હતો જે લોકલ માર્કેટ કરતા ઘણો વધુ છે.
સોના-ચાંદીમાં એકધારી તેજી વચ્ચે ભાવ રોજેરોજ મળી ઉંચાઈને આંબી રહ્યા છે. તેમાં રોકાણ કરનારાઓ માલામાલ થઈ ગયા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં જ સોનામાં ૫૫ ટકા તથા ચાંદીમાં ૭૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સોનાનો ભાવ ૭૭૬૦૦ હતો તેમાં રૂા.૪૫૭૦૦નો ઉછાળો આવી ગયો છે અને ૫૫ ટકાથી વધુની કમાણી થઈ છે. સપ્ટેમ્બર મહિનામાં જ તેમાં ૨૫૩૦૦નો ઉછાળો હતો. છેલ્લા ૬ મહિનામાં ૨૭ ટકાની વૃદ્ધિ છે.
સોનાની કિંમતમાં છેલ્લા ૨૦ વર્ષોની આ સૌથી ઝડપી તેજી રહી છે. ૨૦૦૫માં સોનાનો ભાવ ૭૦૦૦ હતો તે ૧૬૬૦ ટકાનો વધારો સૂચવે છે. તેજીના ટ્રેન્ડ વચ્ચે નિષ્ણાંતો ભાવવધારો ચાલુ જ રહેવાની આગાહી કરી રહ્યા છે. ગોલ્ડમેન સૈકસના રિપોર્ટ મુજબ સોનાનો વૈશ્વિક ભાવ ૪૫૦૦ ડોલરને આંબી શકે છે અને તેના આધારે ભારતમાં ભાવ ૧.૪૫ લાખ થઈ શકે છે.