જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ગૌરવપ્રદ સિદ્ધિ
જૂનાગઢ તા. ૫
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ “એજ્યુકેશન વર્લ્ડ ઈન્ડિયા હાયર એજ્યુકેશન રેંકિંગ્સ–૨૦૨૬” અંતર્ગત ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન અને સમગ્ર ભારતની કૃષિ યુનિવર્સિટીઓમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કરી ગૌરવપ્રદ સિદ્ધિ હાંસલ કરી છે. નવી દિલ્હીમાં જાહેર થયેલ આ રેંકિંગમાં યુનિવર્સિટીએ કુલ ૧૩૦૦માંથી ૯૧૮ મો રેંક પ્રાપ્ત કરી જૂનાગઢનું ગૌરવ વધાર્યું છે.આ રેંકિંગ માટે યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન ફેકલ્ટીની ગુણવત્તા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંશોધન અને ઇનોવેશન, અભ્યાસક્રમોની વિવિધતા, ઔદ્યોગિક જાેડાણો તથા પ્લેસમેન્ટ, માળખાગત સુવિધાઓ, આંતરરાષ્ટ્રીય જાેડાણો તેમજ લીડરશીપ અને ગવર્નન્સ જેવા વિવિધ માપદંડોના આધારે કરવામાં આવે છે. કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા એ આ સિદ્ધિને યુનિવર્સિટીના સર્વાંગી વિકાસનું પ્રતિબિંબ ગણાવી જણાવ્યું હતું કે, આ સફળતા રાજ્ય સરકારના સહયોગ અને સમગ્ર યુનિવર્સિટી પરિવારની અવિરત મહેનત તથા સમર્પણનું પરિણામ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ સિદ્ધિ કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે રાજ્ય તેમજ દેશ માટે પ્રેરણારૂપ સાબિત થશે.
આ અવસરે કુલપતિશ્રીએ યુનિવર્સિટી સાથે સંકળાયેલા તમામ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો, સ્ટાફ તથા ખેડૂતોને આ ગૌરવપ્રદ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં વધુ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.


