રાજ્યમાં આઈટીઆઈનું મેગા અપગ્રેડેશન 177 બાંધકામ અને રિનોવેશન પ્રોજેક્ટસને વેગ

આગામી વર્ષનાં આઈટીઆઈના વધુ 114 નવા પ્રોજેક્ટ્સ શરૂ થશે ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ‘ન્યુ એઈજ‘ સ્કિલ્સ માટેનો રોડમેપ તૈયાર

રાજ્યમાં આઈટીઆઈનું મેગા અપગ્રેડેશન 177 બાંધકામ અને રિનોવેશન પ્રોજેક્ટસને વેગ

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર તા.23
રાજ્યમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ)ના આધુનિકીકરણ અને કૌશલ્ય વિકાસના માળખાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરી છે. હાલમાં રાજ્યભરમાં નવી આઈટીઆઈ બિલ્ડિંગો, વર્કશોપના બાંધકામ તથા રિપેરિંગ-રિનોવેશન સહિતના કુલ 177 માળખાકીય પ્રોજેક્ટસ પ્રગતિ હેઠળ છે, જ્યારે આગામી વર્ષ 2026-27માં વધુ 114 નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવાની યોજના ઘડવામાં આવી છે. આ સાથે બદલાતી ઔદ્યોગિક જરૂરિયાતોને અનુરૂપ યુવાનોને ‘ન્યુ એઈજ‘ કૌશલ્ય તાલીમ આપવા સર્વગ્રાહી રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બાદ આ અંગેની વિગતો આપતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલા 177 પ્રોજેક્ટસમાંથી 128 પ્રોજેક્ટસ સક્રિય અમલીકરણના તબક્કામાં છે, જ્યારે 48 પ્રોજેક્ટ્સ પ્રિ-એક્ઝિક્યુશન પ્રક્રિયામાં છે. અમરેલી આઈટીઆઈમાં મલ્ટીસ્ટોરીડ બિલ્ડિંગ, તરસાલીમાં નવા વર્કશોપ અને ખેડબ્રહ્મા આઈટીઆઈમાં હોસ્ટેલ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ આગામી વર્ષના આયોજનમાં સામેલ કરવામાં આવ્યા છે. સાથે જ મંત્રીએ અધિકારીઓને તમામ માળખાકીય પ્રોજેક્ટ્સ ગુણવત્તા જાળવીને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા શ્રમિકો સુધી પણ સરળતાથી અને સમયસર પહોંચવો જાેઈએ. બાંધકામ સાઇટ, કારખાના સહિતની વિવિધ જગ્યાએ કામ કરતા શ્રમિકોની સલામતી અને સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન રાખવા અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં ઉપસ્થિત રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે રાજ્યની આટીઆઈમાં દિવ્યાંગ તાલીમાર્થીઓ માટે રેમ્પ, ટેક્ટાઈલ ફ્લોરિંગ, બ્રેઈલ માર્કિંગ અને દિવ્યાંગમૈત્રી શૌચાલય જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ઉપરાંત મુસાફરી ભથ્થું, આધુનિક ફાયર સેફ્ટી, ડિજિટાઇઝેશન અને રોજગારવાંચ્છુઓ માટે અનુબંધમ પોર્ટલ જેવી સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓને વધુ સક્ષમ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
સમીક્ષા બેઠકમાં રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન, કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટી, શ્રમ આયુક્ત કચેરી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન તથા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓની ભૌતિક અને નાણાકીય પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
વિભાગના સચિવ લોચન સહેરાએ વહીવટી પ્રક્રિયાઓને વધુ ઝડપી, ટેકનોલોજી આધારિત અને પરિણામલક્ષી બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. સંયુક્ત સચિવ તેજસ સોનીએ નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન, નમો કૌશલ્ય લક્ષ્મી યોજના, તાલીમ સહાય, રોજગાર ભરતીમેળા અને વિભાગના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.