વેરાવળમાં જાલેશ્વર વિસ્તારમાં મચ્છી ઉતારવા પ્રશ્ને બે જુથો વચ્ચે ધીંગાણું : ૬ને ઈજા : ૧૩ સામે ગુનો દાખલ

વેરાવળમાં જાલેશ્વર વિસ્તારમાં મચ્છી ઉતારવા પ્રશ્ને બે જુથો વચ્ચે ધીંગાણું : ૬ને ઈજા : ૧૩ સામે ગુનો દાખલ

ગીર સોમનાથ તા. ર૧ :
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં માછીમારોના બે જૂથો વચ્ચે માછલી ઉતારવા બાબતે સામાન્ય બોલાચાલીમાં ધીંગાણુ થયું હતું. જેમાં લાકડીઓ, લોખંડના પાઇપ અને પથ્થરોનો ઉપયોગ થતાં અંદાજે ૬ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં તંગદીલીનો માહોલ સર્જાયો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ ઘટના ૧૭ માર્ચના રોજ સાંજે આશરે ૭:૩૦ વાગ્યે જાલેશ્વર દરિયાકાંઠે બની હતી. માછલી ઉતારવા બાબતે આબીદ જુમા ઢોકી અને અસગર નથુ લુસાણીના પરિવારો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડા જ સમયમાં વધી ગઈ હતી. બંને પક્ષના લોકો એકઠા થઈ ગયા અને એકબીજા પર હુમલો કર્યો હતો. આ અથડામણ દરમ્યાન ભારે પથ્થરમારો અને મારામારી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ વેરાવળ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ બનાવ અંગે બંને પક્ષ દ્વારા સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે. અસગરભાઈ નથુભાઈ લુસાણીની ફરિયાદના આધારે આબીદભાઈ જુમાભાઈ ઢોકી સહિત ૫ વ્યક્તિઓ વિરૂધ્ધ BNSની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ તેમજ જીપી એક્ટ ૧૩૫ હેઠળ ગુન્હો નોંધાયો છે. જ્યારે આબીદભાઈ જુમાભાઈ ઢોકીની ફરિયાદ આધારે સોયબ અબ્દુલા સહિત ૮ વ્યક્તિઓ વિરૂધ્ધ BNSની કલમ ૧૦૯, ૧૧૫, ૧૧૮(૧), ૧૧૭(૨), ૧૮૯, ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦, ૩૫૨, ૩૫૧(૨) તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંને પક્ષના કુલ ૧૩થી વધુ આરોપીઓ વિરૂધ્ધ રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે અને તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે જાલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે, પરંતુ તણાવને ધ્યાનમાં રાખીને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.