શિતળાકુંડમાં આવેલ શિવલીંગ પર દૂધ અને જળનો અભિષેક થવો જાેઈએ ત્યાં ગટરનું પાણી ફરી વળે છે : આંદોલનની ચિમકી
જૂનાગઢ તા. ૯
જૂનાગઢ શહેરમાં ભાવિકોની આસ્થાનાં કેન્દ્ર સમા શિતળાકુંડ મંદિરની અત્યંત ખરાબ હાલત છે અને જેને લઈને ભાવિકોમાં અને શ્રધ્ધાળુઓમાં ઉગ્ર રોષ જાેવા મળી રહયો છે. તંત્રની નિષ્ક્રીયતાને કારણે ગટરનાં પાણીમાં આ મંદિર ગરકાવ થઈ રહયું છે અને જાે તત્કાલ આ અંગે કાર્યવાહી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી લત્તાવાસીઓએ આપી છે. પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ શહેરનાં ઐતિહાસીક વારસા સમાન અને લાખો ભકતોની અતુટ આસ્થાનાં કેન્દ્ર એવા શિતળાકુંડ વિસ્તારની ખરાબ હાલત છે. ર૧૭ વર્ષ જુનુ સ્વયંભુ પ્રગટ થયેલું શિતળાકુંડ મંદિર આજે તંત્રની લાપરવાહીને કારણે પોતાનું અસ્તીત્વ ટકાવવા માટે ભારે સંઘર્ષ કરી રહયું છે. શ્રાવણ માસનાં પવિત્ર સોમવાર અને શિતળા સાતમ જેવા તહેવારોમાં જયાં શ્રધ્ધાળુઓનો માનવ મહેરામણ ઉમટે છે ત્યાં પવિત્રતાનાં નામે માત્ર ગંદકી અને ગટરનાં ગંદા પાણીનું સામ્રાજય ફેલાયેલું છે. મંદિરનાં ચારેય પાયા નબળા પડી ગયા છે અને ઘુમ્મટ ગમે ત્યારે તુટી પડે તેવી હાલત હોવા છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી તે દુ:ખદ બાબત છે. જૂનાગઢનાં ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા વારંવાર દાવા કરવામાં આવ્યા હતાં કે તેમણે મંદિરનાં રીનોવેશન અને રીપેરીંગ માટે રૂા. પ૦ લાખની ગ્રાન્ટ નગરપાલિકાને ફાળવી દીધી છે. પરંતુ મંદિરમાં હજુ સુધી એકપણ ખીલી ખોડાઈ નથી. ઉપરાંત શિતળાકુંડ ખાતે બિરાજમાન નિલકંઠ મહાદેવ મંદિર છેલ્લા પ૦ વર્ષથી ગટરની સમસ્યાથી પીડાઈ રહયું છે. અડધી સદી જુના આ પ્રશ્નોનો ઉકેલ આજદિન સુધી આવ્યો નથી. ત્યારે શિતળાકુંડ વિસ્તારનાં લોકોએ આ પ્રશ્ને તીવ્ર આક્રોષ વ્યકત કર્યો હતો અને તાત્કાલીક અસરથી જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે પગલા નહી ભરે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.



