સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૮મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો
ત્રિદિનાત્મક ‘શ્રી હનુમંત ચરિત્ર કથા’ની પૂર્ણાહૂતિ સાથે લાખો ભક્તોએ દિવ્ય મહાપ્રસાદનો લાભ લીધો
સાળંગપુર, તા.૩૧
સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા અને પરમ પાવન તીર્થરાજ સાળંગપુર ધામ ખાતે અ.મૂ.અ.સ.ગુરૂ ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૮મો વાર્ષિક પાટોત્સવ શ્રદ્ધા અને ભક્તિસભર રીતે સંપન્ન થયો હતો.
વડતાલ દેશ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી, અ.નિ. સાધુ શ્યામવલ્લભદાસ સ્વામીની પુણ્ય સ્મૃતિમાં તેમજ પ.પૂ.ગુરૂવર્ય અથાણાવાળા સ્વામીના આશીર્વાદ,પ.પૂ.સ.ગુ.પુરાણીશ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) અને વડતાલ ચેરમેન પ.પૂ.સ.ગુ. ડૉ.શા. સંતવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.૨૮ ઓક્ટોબરના રોજ સાંજે ૪:૦૦ કલાકે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી, જે સાથે જ ત્રિદિનાત્મક "શ્રી હનુમંત ચરિત્ર કથા"નો પ્રારંભ થયો હતો. જેમાં વક્તાપદેથી પ.પૂ.શા.સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)એ કથામૃતનું પાન કરાવી ભક્તોને ભાવવિભોર કર્યા હતા.
તા. ૩૦ ઓક્ટોબર, શુક્રવારના રોજ પાટોત્સવના મુખ્ય દિવસે વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી અને ૭:૦૦ કલાકે શણગાર આરતી યોજાઈ હતી. ત્યારબાદ સવારે ૮:૦૦ કલાકે વડતાલ પીઠાધિપતિ પ.પૂ. આચાયર્શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તેમજ વડતાલધામ સહિત વિવિધ ધામેધામથી પધારેલા સદ્ગુરુ સંતોના વરદ્ હસ્તે દાદાનો દિવ્ય પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો.
મંદિર પરિસરમાં મારુતિયજ્ઞમાં બપોરે ૧૨:૦૦ કલાકે પૂજ્ય આચાયર્શ્રી તથા સંતોના હસ્તે શ્રીફળ હોમીને પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. સવારે ૧૧:૦૦ કલાકે શ્રીકષ્ટભંજનદેવને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવી મહાઆરતી કરવામાં આવી હતી. કથા મંડપમાં સવારે ૧૧:૩૦ કલાકે "શ્રી હનુમાન ચરિત્ર કથા"ની પણ ભાવસભર પૂર્ણાહૂતિ થઈ હતી.
આ પાટોત્સવ પ્રસંગે પધારેલા દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓએ દાદાના દિવ્ય દર્શન, અન્નકૂટ, ચફા દર્શન, યજ્ઞદર્શન, કથા શ્રવણ અને બ્રહ્મનિષ્ઠ સંતોના આશીર્વચન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર ઉત્સવને સફળ બનાવવા મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) તથા સંતમંડળ જહેમત ઉઠાવી હતી.


