સોશ્યલ મિડીયા પર E-20 જનતા પાર્ટીએ ધુમ મચાવી : કેજરીવાલે પણ ઝંપલાવ્યું
નવી દિલ્હી, તા. 27
દેશમાં નીટ પેપર લીક વિવાદમાં યુવાનોની તાકાત બતાવનાર ‘કોકરોચ જનતા પાર્ટી‘ (CJP)ના સફળ આંદોલન બાદ હવે સોશિયલ મીડિયા પર ‘E-20 જનતા પાર્ટી‘ એ ભારે ધૂમ મચાવી છે. કોકરોચ ચળવળના આધારે પર બનેલી આ નવી ડિજિટલ કોમ્યુનિટી તરફ દેશનાં લાખો યુવાનો અને વાહનચાલકો રાતોરાત આકર્ષાઈ રહ્યાં છે. ઇન્સ્ટાગ્રામ પર આ એકાઉન્ટના ફોલોઅર્સ પ્રતિ દર સેક્ન્ડે વાવાઝોડાની ઝડપે વધી રહ્યાં છે અને જોતજોતામાં 2.95 લાખથી પણ વધુ થઈ ગયા છે. આ ‘પાર્ટી‘ વાહનચાલકોને સસ્તા દરે 100 ટકા ઓરિજિનલ (બિન-મિશ્રિત) પેટ્રોલ પસંદ કરવાની સ્વતંત્રતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના રાજીનામાની માંગ કરી રહી છે. સોશિયલ મીડિયા પર E20 પેટ્રોલ સામે વધી રહેલાં આ વિરોધ અને ઝડપથી વધી રહેલી ફોલોઅર્સ સંખ્યા વચ્ચે હવે રાજકીય ગરમાવો પણ આવી ગયો છે. આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય ક્નવીનર અરવિંદ કેજરીવાલે આ મુદ્દે કહ્યું કે, જે રીતે દેશનાં યુવાનોએ એક થઈને અવાજ ઉઠાવ્યો તો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું, તે જ રીતે E20 મુદ્દે પણ સૌએ એકજૂટ થવું પડશે.


