હોર્મુઝમાંથી પસાર થવા માટે 20 ટકા ટેકસ લગાવવાના ટ્રમ્પના નિર્ણયથી ભારતની ચિંતા વધી : ઈરાને કહ્યું, કોઈની દખલગીરી મંજુર નથી
(એજન્સી) નવી દિલ્હી તા 14 :
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતથી વૈશ્વિક ઉર્જા બજારમાં એક નવો હલચલ મચી ગઈ છે. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કાર્ગો જહાજો પર 20 ટકા ડ્યુટી અને ઈરાની બંદરોની દરિયાઈ નાકાબંધી ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ર્નિણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આની સૌથી મોટી અસર ભારત સહિત ખાડીમાંથી તેલ અને ગેસ આયાત કરતા દેશો પર પડી શકે છે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું હતું કે અમેરિકા હવે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા માટે જવાબદાર છે, અને તેથી, આ માર્ગ પરથી પસાર થતા જહાજો પર 20 ટકા ટેક્સ વસૂલવામાં આવશે. તેમના મતે, આ રકમનો ઉપયોગ સુરક્ષા ખર્ચને આવરી લેવા માટે કરવામાં આવશે. તેમણે ઈરાની બંદરોની દરિયાઈ નાકાબંધી ફરીથી લાદવાની પણ જાહેરાત કરી. ટ્રમ્પના આ નિવેદન બાદ ઈરાને પલટવાર કરતા કહ્યું કે તે અમેરિકાને હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ પ્રકારનો દખલ નહીં કરવા દે. હોર્મુઝને લઈને બંને દેશો વચ્ચેનો સંઘર્ષ સતત ઉગ્ર બની રહ્યો છે.


