હોર્મુઝમાં ઈરાન દ્વારા બે ઓઈલ ટેન્કરો પર મિસાઈલ હુમલો : 1 ભારતીયનું મોત, 8 ઈજાગ્રસ્ત
(એજન્સી) તહેરાન તા.14
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને UAEના બે તેલ ટેન્કરો પર ક્રુઝ મિસાઈલોથી હુમલો કર્યો છે. UAEના સંરક્ષણ મંત્રાલય અનુસાર, મોમ્બાસા અને અલ બહિયા નામના આ ટેન્કરો પરના હુમલામાં એક ભારતીયનું મોત થયું છે, જ્યારે ૬ ભારતીયો સહિત 8 લોકો ઘાયલ થયા છે.
બીજી તરફ, ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે તેણે બહેરીનના અલ-જુફૈર સૈન્ય અડ્ડા અને અમેરિકી ફિફ્થ ફ્લીટના ઠેકાણા પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો. આ સાથે, જોર્ડનમાં પણ અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જોર્ડનની સેનાએ તેના હવાઈ ક્ષેત્રમાં 4 ઈરાની મિસાઈલોને તોડી પાડવાનો દાવો કર્યો છે.
બીજી બાજુ, અમેરિકાએ પણ ઈરાન પર મોટા પાયે જવાબી સૈન્ય કાર્યવાહી કરી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, લગભગ પાંચ કલાક સુધી ચાલેલા હુમલાઓમાં બુશેહર, ચાબહાર, જાસ્ક, કોનાર્ક, અબુ મૂસા અને બંદર અબ્બાસ સ્થિત સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા.


