અંબાજી મંદિરના ભંડારમાં પાર્ટીનો વિડીયો પાંચ માસ જુનો બેસતા વર્ષના દિવસે ચીકન-દારૂ પાર્ટી યોજાઈ હતી : પૂજારી અભીષેક ચૌહાણ પણ તેમાં હાજર હતો : સગીરનો સનસનીખેજ ખુલાસો

અંબાજી મંદિરના ભંડારમાં પાર્ટીનો વિડીયો પાંચ માસ જુનો બેસતા વર્ષના દિવસે ચીકન-દારૂ પાર્ટી યોજાઈ હતી : પૂજારી અભીષેક ચૌહાણ પણ તેમાં હાજર હતો : સગીરનો સનસનીખેજ ખુલાસો

જૂનાગઢ તા.૧૪
જૂનાગઢ શહેર નજીક ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિરના ભંડારામાં ચીકન-દારૂ પાર્ટીની ઘટનાએ ભારે ખળભળાટ મચાવી દીધો છે અને લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આ મુદ્દો જૂનાગઢ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન અને સમગ્ર રાજયમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે આ બનાવમાં આજે એક નવો ઘટસ્ફોટ થયો છે. જેમાં ચીકન-દારૂ પાર્ટીમાં સામેલ એક સગીર યુવકે મિડીયા સમક્ષ આવીને એવો સનસનીખેજ ખુલાસો કર્યો છે કે, આ ચીકન-દારૂ પાર્ટીનો વિડીયો પાંચ મહિના જુનો છે. બેસતા વર્ષના દિવસે આ ચીકન-દારૂ પાર્ટી યોજાઈ હતી. જેમાં સગીરના જણાવ્યા પ્રમાણે તેને સોડામાં દારૂ મીક્ષ કરીને પરાણે પીવડાવ્યો હતો. તેમજ આ પાર્ટીમાં મંદિરનો પૂજારી અભીષેક ચૌહાણ પણ હાજર હતો. આ પાર્ટીમાં પૂજારી સહિત ૬ વ્યક્તિઓ હતા. તેવું આ સગીર મિડીયા સમક્ષ ચોંકાવનારા ખુલાસા કરતો જણાવી રહ્યો છે. તેમજ આ સગીરના પરીવારજનો એવું કહી રહયા છે કે, તેમના છોકરાને ફસાવવામાં આવ્યો છે. આ પાર્ટીમાં ૭-૮ જણા હતા. ખાલી અમારા છોકરો જ વિડીયોમાં કેમ દેખાય છે ? બીજા લોકો કેમ દેખાતા નથી ? સગીરના પરિવારજનોએ આ બનાવમાં કાવતરૂ હોવાનું જણાવ્યું છે. બીજી તરફ તંત્ર દ્વારા આ ચીકન-દારૂ પાર્ટી અંગે તપાસનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે ઉપરોકત સગીરે મિડીયા સમક્ષ જે ખુલાસા કર્યા છે. તે જાેતા આગામી દિવસોમાં વધુ ચોંકાવનારો ઘટસ્ફોટ થાય તેવી શકયતા જાેવાઈ રહી છે. દરમ્યાનમાં આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ ચીકન-દારૂ પાર્ટીમાં જે વ્યક્તિઓ દેખાય છે તેમની સામે ધાર્મિક લાગણી દુભાવવા સહિતનો ગુનો દાખલ કરવામાં આવશે. તંત્રએ દાવો કર્યો છે કે જાે પૂજારીઓ જ આવુ કૃત્ય કરવા દીધું હશે તો તેમની સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેમજ દાન પેટીમાં પણ ચોરી થતી હોવાના પુરાવા મળ્યા છે. આ કિસ્સામાં પણ જે વ્યક્તિઓ દોષીત છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમ તંત્રના સુત્રોએ જણાવેલ છે. આગામી સોમવારે કે મંગળવારે તપાસ રીપોર્ટ જાહેર કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ મંદિરમાં કોઈની લાગણી ન દુભાય અને મંદિરની આસ્થાને ઠેસ ન પહોંચે તેની તકેદારી રાખવાની જવાબદારી વહીવટદાર તરીકે મામલતદારની છે. પરંતુ મામલતદાર ર૪ કલાક હાજર રહી શકે નહીં તેથી મોટાભાગે મંદિરની જવાબદારી પૂજારીઓની અને ત્યાં જે કર્મચારીઓ છે તેમની છે. ત્યારે આ કિસ્સામાં તંત્ર દ્વારા તપાસ કરી જે કોઈપણ લોકો જવાબદાર છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી શકયતા જણાઈ રહી છે.