ઓખા બંદરે બોટમાં આગ લાગતા દોડધામ ફાયર ટીમોએ દોડી જઈ કાબૂ મેળવ્યો
રાત્રે ૨ વાગ્યે બજરંગ જેટી ખાતે ‘રાજ સાગર’ બોટમાં આગ લાગી
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૧
ઓખાના ડાલ્ડા બંદરમાં આવેલી બજરંગ જેટી ખાતે રાત્રિના આશરે ૨ વાગ્યાના અરસામાં વિપુલ મધજી ગોસીયા માલિકીની ‘રાજ સાગર’ નામની બોટમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. બનાવની જાણ થતાં ઓખા, મીઠાપુર અને દ્વારકાની ફાયર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમના જવાનો જીતેન્દ્ર કારડીયા, સતિષભાઈ જોરા અને રાજેન્દ્રસિંહ પરમારે અન્ય સ્ટાફ સાથે મળીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્રણેય ફાયર ટીમોએ સંયુક્ત પ્રયાસો કરી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અને આગ વધુ ફેલાતી અટકાવી હતી. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બોટમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


