ઓડિશાના કટક સ્થિત સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા ૧૦ દર્દીઓના કરૂણ મોત
(એજન્સી) કટક,તા.૧૬:
ઓડિશાના કટકમાં એક અત્યંત આઘાતજનક ઘટના બની છે. જ્યાં સોમવારે વહેલી સવારે એક હોસ્પિટલમાં આગ ફાટી નીકળી જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે શોર્ટ સકિર્ટના કારણે આગ લાગી હોઈ શકે. જો કે હજુ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી અને તેના વિશે તપાસ થઈ રહી છે.
મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ જણાવ્યું કે કટકની એસસીબી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી ૧૦ દર્દીઓના મોત થયા છે.
ઈન્ડિયન એક્સપ્રેસે પ્રત્યક્ષદર્શીઓએ આપેલી માહિતીથી જણાવ્યું છે કે આ દર્દનાક ઘટના રાતે ૨.૩૦થી ૩ વાગ્યાની વચ્ચે બની હતી. બીજી બાજુ અધિકારીઓનું કહેવું છે કે આ આગ શોર્ટ સકિર્ટના કારણે લાગી હોઈ શકે છે. તેમણે જણાવ્યાં મુજબ ફાયર બ્રિગેડ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પરંતુ આઈસીયુમાં વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર હેઠળ દર્દીઓ દમ ઘૂંટવાથી મોતને ભેટ્યા.
આગ ટ્રોમા કેર યુનિટના પહેલા માળે લાગી અને પછી ગણતરીની મિનિટોમાં સમગ્ર આઈસીયુમાં ધૂમાડો ફેલાઈ ગયો. તે સમયે વોર્ડમાં અનેક ગંભીર સ્થિતિવાળી દર્દીઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. હોસ્પિટલના કર્મચારીઓ અને ફાયરના કર્મીઓએ તરત બચાવ કામ શરૂ કર્યું પરંતુ કેટલાક નાજુક સ્થિતિવાળા દર્દીઓ આગની તેજ જ્વાળાઓની લપેટમાં આવી ગયા.


