કેનેડાનો વળતો પ્રહાર : અમેરીકાની ૭૦૦ પ્રોડકટ પર ટેરિફ ઝીંકી
(એજન્સી) ટોરન્ટો,તા.૨૬:
અમેરિકા અને પાડોશી દેશ કેનેડા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ વધ્યો છે. જેમાં કેનેડાએ હવે અમેરિકાની ૭૦૦ થી વધુ પ્રોડકટ પર ટેરિફની જાહેરાત કરી દીધી છે. સ્ટીલ અને ઘરગથ્થુ ઉપકરણો સહિતની પ્રોડક્ટ પર કેનેડા ટેરિફ લગાવશે. આ પૂર્વે શનિવારે અમેરિકાએ બે કરોડ ડોલરના કેનેડિયન ઉત્પાદનો પર ૫૦ ટકા ટેરિફની જાહેરાત કરી હતી.
જોકે, શુક્રવારે વોશિગ્ટનમાં અમેરિકા-કેનેડા વચ્ચે ટ્રેડ ડીલનો અંતિમ પ્રયાસ થયો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો. સોમવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન નેતાઓને અમેરિકન નીતિ સાથે સુસંગત રહેવાનું કહીને વિવાદને વધુ વધાર્યો હતો. તેમજ ચેતવણી આપી કે આમ કરવામાં નિષ્ફળતાના પરિણામો પહેલાથી જ લાગુ કરાયેલા ટેરિફ કરતાં વધુ ગંભીર હોઈ શકે છે. તેમણે કેનેડાથી આયાત થતા વાહનો, ઓટો પાટ્ર્સ અને સ્ટીલ પર નવો ૫૦ ટકા ટેરિફ લાદવાની ધમકી પણ આપી હતી.
અમેરિકા સાથે ટ્રેડ ડીલ નિષ્ફળ ગયા બાદ કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ જણાવ્યું હતું કે અમેરિકા કેનેડાને પોતાને આધીન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા દ્વારા રજૂ કરાયેલી વેપાર સંબંધિત માંગણીઓએ કેનેડાના શંકાને પુષ્ટિ આપી છે કે અમેરિકા તેના મુખ્ય ઉદ્યોગોને નબળા પાડવા અને આખરે તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. કાર્નેએ જણાવ્યું કે વાટાઘાટોના ટેબલ પર કેનેડાને અમેરિકાના ગૌણ ગણવાનું વલણ અસ્વીકાર્ય છે.


