કેમિસ્ટોની દેશવ્યાપી હડતાલ : સૌરાષ્ટ્રના 60,000 મેડીકલ સ્ટોર બંધ
(બ્યુરો) રાજકોટ, તા.20
દવાઓનું ઓનલાઇન વેચાણ અને ડુપ્લીકેટ દવાઓના વેચાણથી જનઆરોગ્ય સામે ખતરો થતા આજે દેશવ્યાપી કેમિસ્ટોની હડતાલમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના 60 હજાર કેમિસ્ટોએ સમર્થન આપી વહેલી સવારથી મેડિકલ સ્ટોર બંધ રાખી ઇ-ફાર્મસીમાં વિરોધમાં ધરણા-સુત્રોચ્ચાર, રેલી, દેખાવો યોજી હડતાલ પાડી હતી. કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો. દ્વારા આજે દવા બજાર બંધ રાખવામાં આવી હતી.
રાજકોટ ખાતે મેડીકલ એસો.ના એલાન મુજબ આજે સવારે મોટી ટાંકી ચોક ખાતે મોટી સંખ્યામાં દવાઓના વેપારીઓએ એકત્ર થઇ ધરણા-સુત્રોચ્ચાર, બેનર સાથે વિરોધ પ્રદર્શન યોજી દેશ વ્યાપી લડતને જબરૂ સમર્થન પુરૂ પાડયું હતું.
ઓનલાઇન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર્સ સંચાલકોની માગણીનો ઉકેલ નહીં આવતા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. દેશવ્યાપી હડતાળના સમર્થનમાં ગુજરાતના 60,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ પાળી વિરોધ કરી રહ્યા છે. જો કે, ઈમરજન્સી સમયે દર્દીઓ પરેશાન ન થાય તે માટે એસોસિયેશન દ્વારા તમામ જિલ્લા અને શહેરોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ હડતાળ વચ્ચે રાજ્યમાં ખુલ્લા રહેનારા 832 મેડિકલ સ્ટોર્સનું લિસ્ટ જાહેર કર્યું છે. જ્યાંથી દર્દીઓને હડતાળ સમયે પણ દવા મળી રહેશે. આ લિસ્ટમાં શહેરનું નામ લખી ખુલ્લા રહેનારા મેડિકલ સ્ટોર્સનું નામ જાણી શકાય છે.
કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન દવા વેચાણને મંજૂરી મળ્યા બાદ અનેક બિનનિયમિત પ્લેટફોર્મ દ્વારા નિયમોના ભંગ સાથે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. જેના કારણે ડોક્ટરની યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ મળવાની શક્યતા, દર્દીઓની ગોપનીય માહિતીનો દુરુપયોગ તેમજ સમયસીમા પૂર્ણ થયેલી કે નકલી દવાઓના વેચાણનો ભય વધી રહ્યો હોવાનું એસોસિએશને જણાવ્યું છે. આથી GSR 817(E)ને પાછું ખેંચી કડક નિયંત્રણ લાદવાની માંગ કરવામાં આવી છે.


