ખંધા ચીનની નાપાક ચાલ : ભારતીય સરહદથી માત્ર 50 કિમી દુર તિબેટમાં વિશ્વનો સૌથી મોટો ડેમ બાંધવાનું શરૂ કર્યું : ભારત માટે ખતરો
(એજન્સી) બીજીંગ, તા.17
ખંધા ચીન પોતાની નાપાક ચાલબાજીઓથી અટકવાનું નામ નથી લઈ રહ્યું. તેણે સત્તાવાર રીતે તિબેટમાં યારલુંગ ત્સાંગપો નદીના નીચલા પ્રવાહ પર વિશ્વના સૌથી મોટા ડેમનું નિર્માણ કાર્ય શરૂ કરી દીધું છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, આ નિર્માણ સ્થળ ભારતીય સરહદથી માત્ર 50 કિલોમીટરના અંતરે આવેલું છે. આ વિશાળ પ્રોજેક્ટના કારણે બ્રહ્મપુત્રા નદીના નીચલા પ્રવાહવાળા વિસ્તારો, ખાસ કરીને અરૂણાચલ પ્રદેશ અને આસમના માથે ગંભીર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ગુપ્તચર સૂત્રો અને સેટેલાઇટ તસવીરોથી ખુલાસો થયો છે કે ભારતની સતત આપત્તિઓ છતાં ચીન આ પરિયોજનાને ખૂબ જ ઝડપથી આગળ ધપાવી રહ્યું છે.
યારલુંગ ત્સાંગપો નદી તિબેટમાંથી વહીને ભારતમાં ‘સિયાંગ‘ નામે પ્રવેશે છે અને આગળ જતાં તે અસમમાં વિશાળ બ્રહ્મપુત્રા નદી બને છે. ભારતીય અધિકારીઓએ આ મેગા-ડેમને લઈને ગંભીર ચેતવણી જાહેર કરી છે.


