આજે ચારધામ યાત્રાનો પ્રથમ દિવસ : બે શ્રધ્ધાળુઓના મોત
ઉત્તરકાશી તા.૨૦
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના આજે પહેલા જ દિવસે બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા. ઉત્તરકાશી જિલ્લામાં આવેલા યમુનોત્રી ધામના પગપાળા માર્ગ પર ચઢાણ દરમિયાન મહારાષ્ટ્રથી આવેલા એક વૃદ્ધ શ્રદ્ધાળુની અચાનક તબિયત લથડી.
તેમને તરત જ જાનકીચટ્ટી ખાતે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, પરંતુ ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. હોસ્પિટલના ડો. હરદેવ સિંહના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં મૃત્યુનું કારણ શ્વાસ સંબંધિત બીમારી અને ઊંચાઈ પર ઓક્સિજનની કમી માનવામાં આવી રહ્યું છે.
બીજી ઘટનામાં ઘોડા પર સવારી દરમિયાન બેલેન્સ ગુમાવવાને કારણે એક મહિલા યાત્રી નીચે પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજા થવાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને ‘બ્રોટ ડેડ‘ જાહેર કર્યા હતા.


